દવાની બોટલો, રો મટીરીયલ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો : ઓર્ગેનિક દવાના નામે ખેડૂતોને ઝેરી કેમિકલ પધરાવી દીધાનું એફએસએલ રિપોર્ટમાં ખુલતા ગુનો નોંધાયો
Rajkot,તા.૨૧
પડધરી તાલુકાના તરઘડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ હતી. સ્થાનિક પોલીસે શિવ એગ્રી બિઝનેશ સેન્ટરના ગોડાઉનમાં દરોડો બનાવી દવાની બોટલ, રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જે બાદ ઓર્ગેનિક દવામાંથી ઝેરી કેમિકલ મળી આવતા એફએસએલ રિપોર્ટના આધારે પડધરી પોલીસે છેતરપિંડી અને જંતુનાશક દવા અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, પડધરી તાલુકાના તરઘડી ઇન્ડસ્ટીઝ એરિયામાં આવેલા શિવ એગ્રી બિઝનેસ સેન્ટર ગોડાઉનના કબજેદાર રસિક વિરજીભાઇ રંગાણી(રહે. ગુરૂદેવ પાર્ક શેરી નં.૧ કુવાડવા રોડ,રાજકોટ) વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.
પડધરી પોલીસ મથકના એએસઆઈ પી.એન.અગ્રાવત, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ જાડેજા, કુલદીપસિંહ ઝાલા તથા સ્ટાફે ગત તા. 15-4-2026 ના બાતમીના આધારે તરઘડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા શિવ એગ્રી બિઝનેસ સેન્ટર નામના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. અહીં તપાસ કરતા ગોડાઉનના કબજેદાર રસિક રંગાણી કોઈપણ પ્રકારના પાકા બિલ કે આધાર વગર બ્રહ્મહસ્ત્ર 303 બોટનિકલ બાયો કંટ્રોલરના લેબવાળી 250 એમએલ અને એક લીટર વાળી બોટલો તથા લેબલ વગરની જંતુનાશક દવાની એલ્યુમિનિયમની ખાલી બોટલો મળી કુલ 45 બોટલો કિં. રૂ. 70,240 નો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત દવા બનાવવા માટેનું રો-મટીરીયલ્સ પણ મળી આવ્યું હતું. જે બાબતે પડધરી એગ્રીકલ્ચર અને ખેતી અધિકારી એમ.ડી. રૂપાપરાને જાણ કરી હતી. બાદમાં અહીંથી સેમ્પલ લઇ પેસ્ટીસાઈડ ટેસ્ટિંગ લેબોરેટરી ગાંધીનગર ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા.
બાદમાં ગાંધીનગરથી લેબ રિપોર્ટ આવ્યો હતો. જેમાં અહીંથી લેવામાં આવેલા સેમ્પલમાં રાસાયણિક તત્વ કેમિકલ મળી આવ્યું હતું. આમ ગોડાઉનના કબજેદાર રસિક રંગાણીએ એબોમેકિટન નામની દવા બનાવવાનું કોઈ જ લાઇસન્સ ન હોય તેમ છતાં ગેરકાયદે રીતે તેનું ઉત્પાદન કરી તેમજ બોગસ કંપની સર્ચ કરી બાયોક્રોપ સાયન્સ જીઆઇડીસી અંકલેશ્વરના નામના બનાવટી લેબલો છાપી જૈવિક દવા બોટનીકલ બાયો કંટ્રોલર તરીકે જણાવી પોતાના આર્થિક ફાયદા માટે ખેડૂતોને ખોટી કંપનીના લેબલોવાળી ઓર્ગેનિકના નામે ઝેરી કેમિકલ જંતુનાશક દવાઓ વેચી સરકાર તથા ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હોય આ અંગે પડધરી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મેરની ફરિયાદ પરથી ગોડાઉનના કબજેદાર રસિક રંગાણી વિરુદ્ધ બીએનએસની કલમ ૩૧૮(૪) તથા જંતુનાશક દવા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ પી.આઈ એમજી ચૌહાણ ચલાવી રહ્યા છે.

