મીટરના ફોટા પાડવા ગયેલા સોફ્ટવેરના ધંધાર્થીના હાથ ભાંગી નાંખ્યો
Rajkot,તા.17
મુંજકા ગામમાં તમારી બેકરીના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે તેવી ફરીયાદ કરવી યુવાનને મોંઘી પડી હતી અને બેકરી સંચાલકે હુમલો કર્યો હતો અને યુવાનનો હાથ ભાંગી નાંખ્યો હતો. બનાવ અંગે યુની. પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે મુંજકા ગામમાં આત્મીય હોટલ પાછળ રહેતા ધવલભાઈ નવીનચંદ્રભાઈ ચૌહાણ (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રશાંત ડાંગર નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ઘરની બાજુમાં આઈટી સોફ્ટવેર બનાવવાની ઓફિસ ધરાવે છે. ગઈકાલે બપોરના સમયે તે ઓફિસે હતો ત્યારે રાજકોટ જીઈબી ઓફિસ ખાતે મીટરના ફોટા વોટ્સઅપ કરવાના હોય જેથી તે સીડી ઉતરી ઓફિસના મીટર પાસે જતો હોય તે દરમિયાન બાજુમાં સ્વીટ ડિલાઇટ નામની બેકરીના માલિક પ્રશાંત ડાંગર કે જેવો છેલ્લા પાંચ વર્ષથી બેકરી ચલાવે છે.
ફરીયાદી મીટર નો ફોટો જીઈબીમાં મોકલતો હોય તે દરમિયાન પ્રશાંત તેઓની પાસે આવી અહીંયા શું કરે છે ? તેમ કહી ગાળો આપવા લાગેલ. જેથી તેને ગાળ શું કામ આપો છો તેમ કહેતા શખ્સે ઢીકા પાટુનો માર મારવા લાગેલ અને કાંઠલો પકડી છાતિના ભાગે મારમારી નીચેના ભાગે પછાડી દીધેલ અને તેઓની ઉપર ચડી ઢીકા મારવા લાગેલ હતો. દરમિયાન આસપાસમાંથી લોકો દોડી આવતાં તેને વધું મારમાંથી છોડાવેલ હતો. બાદમાં તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર આઠે ૧૦૮ મારફત પ્રથમ સીવીલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, આ બનાવ બનવાનું કારણ બાજુમાં બેકરી ધરાવતો પ્રશાંત ડાંગર છેલ્લા પાંચ વર્ષથી પોતાની બેકરી ચલાવતો હોય જેથી આજુબાજુ રહેણાંક વિસ્તારમાં બેકરીમાં નવી બનતી વસ્તુને લીધે શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડતી હોય અને આ પ્રશાંત ડાંગરે ફરિયાદીના મકાનની સામે એક ખુલ્લો પ્લોટ લીધેલ હોય અને ત્યાં બીજી પોતાની નવી બેકરી ચાલુ કરવા અર્થે ખુલ્લા પ્લોટમાં છાપણી કરતા હોય જેથી અનેકવાર આ પ્રશાંતને રેસીડેન્ટસ એરિયામાં હવે પછી કોઈ બેકરી ન નાખવા તેમજ પરિવારજનોની શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય જે બાબતે સમજાવી રજૂઆત કરેલ હોય જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.