New Delhi,તા.18
મેદાન પર શાંત દેખાતા રોહિત શર્મા વાસ્તવમાં કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે. જોકે, તાજેતરમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથેના તેમના સંબંધોમાં ભારે ખટાશ આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
પસંદગી સમિતિ ભવિષ્યમાં વનડે ટીમમાં યશસ્વી જયસ્વાલને વધુ તકો આપવા માંગે છે, જેને ગંભીરનું પણ મૌન સમર્થન છે. ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ જે રીતે ટીમને જોડી રાખતા હતા, તેનાથી વિપરિત ગંભીર અને રોહિત વચ્ચેનો આ ટકરાવ ભૂતકાળના ગાંગુલી અને ગ્રેગ ચેપલ વિવાદની યાદ અપાવે છે.
આ વિવાદની શરૂઆત IPL 2024 દરમિયાન થઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં પ્રેકિ્ટસ સેશન બાદ રોહિતે ગંભીરને ભારતીય ટીમના કોચ બનવા માટે આમંત્રણ આપ્યું હતું, જેના જવાબમાં ગંભીરે કહ્યું હતું કે, “જો તું કેપ્ટન રહીશ તો હું ચોક્કસ આવીશ.”
તે સમયે રોહિતના નજીકના લોકોએ તેમને ચેતવણી પણ આપી હતી કે રાહુલ દ્રવિડની સરખામણીએ ગંભીરની કાર્યશૈલી તદ્દન અલગ હશે અને તેમાં તાલમેલ બેસાડવો એક મોટો પડકાર સાબિત થશે.
ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 0-3થી મળેલી હાર બાદ આ વિવાદ સપાટી પર આવ્યો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડની ટેસ્ટના એક દિવસ પહેલા રોહિત, ગંભીર અને અગરકર વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી.
ખરાબ ફોર્મના કારણે રોહિત પોતે ટીમની બહાર બેસવા માંગતા હતા, પરંતુ અગરકર તેના પક્ષમાં નહોતા. આ વિવાદ એટલો વધ્યો કે રોહિતે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી, જેનાથી ગંભીર અને અગરકર પણ ચોંકી ગયા હતા.
રોહિત શર્માની આગેવાનીમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હોવા છતાં, તેમને વનડેની કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, જેનાથી રોહિતનો વિશ્વાસ સંપૂર્ણપણે તૂટી ગયો.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમની પસંદગી દરમિયાન રોહિત અને પસંદગીકારો વચ્ચે વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારો રોહિતને ટીમમાંથી બહાર રાખવા માંગતા હતા, જેનો જવાબ રોહિતે વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરીને આપ્યો.

