Rajkot, તા.18
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવા લાગ્યો હોય તેમ કેટલાંક ભાગોમાં ઝાપટા-હળવો વરસાદ થઇ રહ્યો છે. હવે દક્ષિણ ગુજરાતમાં જમાવટ થવા લાગી હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે રાજ્યના 25 જિલ્લાના 95 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 94 મીમી વરસાદ થયો હતો. નાનપોંઢામાં 37 મીમી તથા ધરમપુરમાં 27 મીમી હતો. નવસારીના ખેરગામમાં 55 મીમી પાણી વરસ્યું હતું.
સુરતના કામરેજમાં 54 મીમી, પાલસાણામાં 36 મીમી તથા બારડોલીમાં 25 મીમી વરસાદ થયો હતો. ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જેવા અન્ય જિલ્લાઓમાં ઝાપટાથી એક ઇંચ સુધીનો વરસાદ હતો.
કચ્છમાં ભચાઉ તથા નખત્રાણામાં ઝરમર સામાન્ય વરસાદ હતો. ઉત્તર ગુજરાત સંપૂર્ણપણે કોરૂ રહ્યું હતું. મધ્ય ગુજરાતમાં આણંદના પેટલાદ તથા સોજીત્રામાં બે-બે ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં બે ઇચ, વડોદરાના કરજણ તથા સિનોરમાં એક-એક ઇંચ પાણી વરસ્યું હતું. સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ઝરમર સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ નહતો.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 908.88 મીમીની સરેરાશ સામે 236.44 મીમી વરસાદ થયો છે. જે સિઝનનો 26.02 ટકા થવા જાય છે. કચ્છ ઝોનમાં 3.42 ટકા, ઉત્તર ગુજરાતમાં 14.42 ટકા, મધ્ય ગુજરાતમાં 18.68 ટકા, સૌરાષ્ટ્રમાં 28.89 ટકા તથા દક્ષિણ ગુજરાતમાં 36.71 ટકા વરસાદ થયો છે.
મહત્વની વાત એ છે કે, રાજ્યના ચાર તાલુકા સંપૂર્ણ કોરાધાકોડ છે. ચોમાસાની અર્ધી સીઝન ખત્મ થવાના આરે છે. છતાં વરસાદનો છાંટો પણ પડ્યો નથી. આ સિવાય 26 તાલુકામાં પુરો બે ઇંચ અને 81માં પાંચ ઇંચ વરસાદ પણ થયો નથી.
આમ ગુજરાતના 268માંથી 111 તાલુકામાં પુરો પાંચ ઇંચ વરસાદ પણ નોંધાયો નથી. રાજ્યના અન્ય તાલુકાઓ પૈકી 83માં 5 થી 10 ઇંચ, 42માં 10 થી 20 ઇંચ, 27માં 20 થી 40 ઇંચ વરસાદ થયો છે. પાંચ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ચોમાસાના વરસાદની ખાધ જ પ્રવર્તી રહી છે. જ્યારે કિસાનો પર સંકટ વધી રહ્યું છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ કૃષિ વાવેતર જ થયું નથી. ઉપરાંત વાવણી થઇ હોય તેને પણ વરસાદની જરૂર છે. અલનીનોના પ્રભાવથી ચોમાસુ અસ્થિર હોવાના કારણોસર ચિંતા વધી રહી છે.

