New Delhi, તા. 18
ફિફા વર્લ્ડ કપ 2026 તેના અંતિમ અને સૌથી રોમાંચક પડાવ પર પહોંચી ગયો છે. આ રવિવારે ન્યૂ યોર્ક-ન્યૂ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમ ખાતે વિશ્વ વિજેતાનો નિર્ણય કરવા માટે ગત ચેમ્પિયન આર્જેન્ટિના અને યુરોપિયન દબદબો ધરાવતી સ્પેનની ટીમ આમને-સામને ટકરાશે.
ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે યુરોપ અને લેટિન અમેરિકાનાં વર્તમાન ચેમ્પિયન દેશો ફૂટબોલના સર્વોચ્ચ બહુમાન માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે.
સેમી-ફાઇનલમાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી માત આપીને સતત બીજી વખત ફાઇનલની ટિકિટ મેળવી છે. આજે નંબર 3 માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે ટકકર થશે.
ખિતાબી મુકાબલા પહેલાં, ફિફા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટે આજે મિયામી ખાતે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડની ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે. લગભગ છેલ્લી ઘડીએ પહોંચીને ફાઇનલનું સપનું તૂટ્યા બાદ આ મેચ રમવી કોઈ પણ ટીમ માટે સરળ નથી હોતી, કારણ કે ખેલાડીઓનું મનોબળ તૂટી ગયું હોય છે.
જોકે, આ પરાજયના દર્દને ભૂલીને જ્યારે બંને ટીમો મેદાનમાં ઉતરશે ત્યારે ઘણું બધું દાવ પર લાગેલું હશે. ફ્રેન્ચ ટીમ માટે આ મેચમાં મોટું પ્રેરણાબળ એ રહેશે કે તે પોતાના કોચ દિદિયે દેશોને જીત સાથે વિદાય આપવા માંગશે.
ભલે આ મેચનો સીધો સંબંધ વર્લ્ડ કપ ટ્રોફી સાથે નથી, પરંતુ વ્યક્તિગત પુરસ્કારોની દ્રષ્ટિએ તેનું મહત્વ ઘણું વધી જાય છે. આ મુકાબલામાં ખાસ કરીને ફ્રાન્સના કિલિયન એમબાપ્પે અને ઇંગ્લેન્ડના હેરી કેન વચ્ચે ગોલ્ડન બૂટની રેસનો મોટો ફેંસલો થઈ શકે છે. આ મેચ ભારતીય સમયાનુસાર આજે મોડી રાત્રે 2ઃ30 વાગ્યે શરૂ થશે.
કિંગ મેસીનો દબદબો અને ટૂર્નામેન્ટમાં ઐતિહાસિક રેકોર્ડ્સ
આ વર્લ્ડ કપ ફાઇનલ સુધી પહોંચતાં જ આર્જેન્ટિનાના સુપરસ્ટાર લિયોનેલ મેસી અને અન્ય ખેલાડીઓએ ઇતિહાસનાં કેટલાક સૌથી મોટા ફૂટબોલ રેકોર્ડ્સ તોડી નાખ્યાં છે. લિયોનેલ મેસી હવે ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ 21 ગોલ અને સૌથી વધુ 12 આસિસ્ટ કરનારો વિશ્વનો સર્વકાલીન મહાન ખેલાડી બની ગયો છે.
આ ઉપરાંત, તે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 33 મેચ રમનારો પ્લેયર પણ બની ચૂક્યો છે. મેસીએ 39 વર્ષની ઉંમરે હેટ્રિક ફટકારીને વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે હેટ્રિક કરનારો પ્લેયર બનવાનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યો છે.
બીજી તરફ, સ્પેનની ટીમે પણ ક્વાર્ટર ફાઇનલ સુધી સતત 6 મેચોમાં એક પણ ગોલ ન ખાવાનો અદભુત નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 4.6 મિલિયનથી વધુ દર્શકોની સ્ટેડિયમ હાજરી નોંધાઈ છે, જેના કારણે આ વર્ષનો વર્લ્ડ કપ ઇતિહાસનો સૌથી સફળ શો સાબિત થયો છે. ફાઇનલ મેચમાં પણ લિયોનેલ મેસી (8 ગોલ) અને સ્પેનના યુવા સનસનાટીભર્યા ખેલાડી લેમિન યામાલ (6 ગોલ) વચ્ચે ગોલ્ડન બૂટ મેળવવા માટે આકરી સ્પર્ધા જોવા મળશે.
ઇતિહાસમાં પહેલીવાર સુપર બોલની જેમ 25 મિનિટનો ‘હાફ-ટાઇમ શો’ અને સેરેમનીનો સમય
ખિતાબી મુકાબલા પહેલાં ફિફા દ્વારા એક અત્યંત ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભારતીય સમયાનુસાર 19 જુલાઈએ રાત્રે 11ઃ00 વાગ્યે શરૂ થઈ જશે. આ પ્રી-મેચ શોમાં લૌરા પૌસિની, નિકોલ શેરઝિંગર, રોબી વિલિયમ્સ અને પ્રખ્યાત ક્નટેન્ટ ક્રિએટર આઈશોસ્પીડ પર્ફોર્મ કરવાનાં છે, જ્યારે હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ પણ ખાસ હાજરી આપશે. મેચની કિક-ઓફ્ફ પહેલાં અમેરિકાનું રાષ્ટ્રગીત પ્રખ્યાત ગાયિકા અને EGOT સન્માન વિજેતા જેનિફર હડસન રજૂ કરશે.
ફિફાના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલ મેચ દરમિયાન અમેરિકન સુપર બાઉલની શૈલી પર 25 મિનિટ લાંબો ‘હાફ-ટાઇમ શો’ યોજાશે. આ શોનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ફિફા ગ્લોબલ સિટીઝન એજ્યુકેશન ફંડ’ માટે 100 મિલિયન અમેરિકી ડોલર એકઠાં કરવાનો છે.
આ ખાસ કાર્યક્રમની તમામ ક્રિએટિવ જવાબદારી કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિન સંભાળી રહ્યાં છે અને તેમાં મેડોના, શકીરા, જસ્ટિન બીબર અને વૈશ્વિક બેન્ડ BTS જેવા સુપરસ્ટાર્સ પર્ફોર્મન્સ આપશે.સામાન્ય રીતે ક્રિકેટ પાછળ ઘેલાં રહેતાં ભારતમાં આ વીકેન્ડ પર ફૂટબોલ ફીવર વ્યાપારી જગત માટે બૂસ્ટર ડોઝ સાબિત થઈ રહ્યો છે. સામાન્ય વીકેન્ડની સરખામણીએ પબ્સ, રેસ્ટોરન્ટ્સ અને માઇક્રોબ્રુઅરીઝમાં એડવાન્સ બુકિંગ બમણાથી વધુ થઈ ગયું છે.
ફૂટબોલના આ ક્રેઝને જોતા પશ્ચિમ બંગાળ, કેરળ, ગોવા અને બેંગલુ જેવા વિસ્તારોમાં સ્થાનિક વહીવટીતંત્રે મોડી રાત સુધી પબ અને રેસ્ટોરન્ટ્સ ખુલ્લાં રાખવાની ખાસ મંજૂરી આપી છે, જેમાં હોમ ડિલિવરી માટે કિચન સવારે 4 વાગ્યા સુધી કાર્યરત રહેશે.
આ જ પ્રકારે, ફાઇનલ મેચ મોટા સ્ક્રીન પર જોવાનો ક્રેઝ વધતાં ભારતમાં 55 ઇંચ અને તેનાથી મોટી સાઇઝના સ્માર્ટ ટીવીની માંગમાં 30 થી 40 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે અને ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ કેશબેક અને ઇઝી ઈએમઆઈની ઓફર્સ આપી રહી છે.
આર્જેન્ટિના અને સ્પેન વચ્ચેનો આ મહામુકાબલો ભારતીય સમયાનુંસાર 20 જુલાઈ, સોમવારે મોડી રાત્રે 12ઃ30 વાગ્યે શરૂ થશે. જ્યારે અમેરિકાના સ્થાનિક સમય મુજબ આ મેચ 19 જુલાઈએ બપોરે 3ઃ00 વાગ્યે શરૂ કરવામાં આવશે.
ભારતમાં આ મેચનાં ઓફિશિયલ પ્રસારણ અધિકારો ઝી નેટવર્ક પાસે છે. ટીવી પર તેનું સીધું પ્રસારણ યુનાઇટેડ સ્પોર્ટ્સ ચેનલો પર કરવામાં આવશે અને ઓનલાઇન ડિજિટલ સ્ટ્રીમિંગ ઝી5 એપ તેમજ વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
જો કે, જે દર્શકો કોઈ પણ વધારાનાં શુલ્ક કે વીડીયો સબસ્ક્રિપ્શન વિના આ ઐતિહાસિક મેચ માણવા માંગે છે, તેમનાં માટે આ મેચ ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર પણ લાઇવ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

