New Delhi, તા.18
સોમવારે શરૂ થઇ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલ એજન્ડામાં હજુ સુધી બંધારણ સુધારા વિધેયક કે જે નવા સીમાંકન સાથે જોડાયેલું છે તે રજુ કરવા અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સરકારે જ બંને ગૃહોમાં બંધારણ સુધારા વિધેયક પસાર કરાવવા માટે તૈયાર હોવાના સંકેત છે અને તેના પગલે સંસદના શિયાળુ સત્ર એક દેશ, એક ચૂંટણીના ખરડો પણ રજૂ કરી દેવાશે.
તો વધુ એક વિધેયક જે જેમાં વડાપ્રધાન તથા મુખ્યમંત્રીઓ અને રાજયના અને કેન્દ્રના મંત્રીઓ જો કોઇ ફોજદારી અપરાધમાં 30 દિવસ સુધી પોલીસ કે ન્યાય કસ્ટડીમાં રહે તો આપોઆપ તેમના હોદ્દા પરથી દુર થઇ જાય તે સુધારા વિધેયક પણ સંસદમાં રજૂ કરવા માટે સરકાર તૈયાર છે.
ગઇકાલે આ અંગે દિલ્હીમાં ભાજપની એક ટોચની બેઠક મળી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ તથા સંસદીય મામલાના મંત્રી મંડળ સમિતિના અધ્યક્ષ રાજનાથસિંહ અને એનડીએના સાથી પક્ષો મોજુદ હતા અને તેમાં હવે રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રીઓ આ બંને ખરડાઓ મંજૂર કરાવવા માટે વિપક્ષો સાથે સંકલન કરશે.
એક વખત બે તૃતિયાંશ બહુમતીથી ખાતરી થઇ જાય પછી તુર્ત જ તે સંસદમાં રજુ કરાશે અને તે વચ્ચે હાલ જે અલગ અલગ પક્ષોમાંથી ભંગાણ પડીને નવા જુથો એનડીએમાં જોડાયા છે તેને લોકસભા અધ્યક્ષ આજે સાંજ સુધીમાં માન્યતા આપી દેશે.
જેમાં તૃણમુલ કોંગ્રેસના 20 સાંસદો જેઓએ અલગ પક્ષ રચ્યો છે તેને માન્યતા અપાશે તો ઉધ્ધવ ઠાકર જુથના છ સાંસદો કે જેઓ શિવસેના શિંદે જુથ સાથે જોડાઇ રહ્યા છે તેને પણ માન્યતા અપાશે આમ સરકારે ગ્રાઉન્ડ વર્ક તૈયાર કરી લીધુ છે અને એક વખત બે તૃતિયાંશ બહુમતીની લીલી ઝંડી મળે તુર્ત જ આ બંને ખરડાઓ રજુ કરી દેવાશે
બીજી તરફ હવે સરકારને આ ખરડા મુદ્દે સૌથી મહત્વના એક વિપક્ષ ડીએમકેનો સાથ મળી રહે તેની સાથે એનસીપી શરદ પવાર જુથ પણ સરકારની સાથે જોડાઇ જાય તેવા સંકેત છે. ડીએમકેના 22 સાંસદો છે જે આ ખરડો પસાર કરાવવા માટે અત્યંત મહત્વના છે.
ખાસ કરીને સરકારે નવા સીમાંકનથી દક્ષિણના રાજયોની લોકસભાની બેઠકો ઘટશે નહીં તેવી જોગવાઇ આ ખરડામાં કરે તો ડીએમકે ટેકો આપવા તૈયાર છે તેવા સંકેત મળી ગયા છે અને સરકાર દરેક રાજયની ઓછામાં ઓછી 50 ટકા બેઠકો વધશે ત્યાં સુધી ખાતરી આપવા તૈયાર છે.
આમ હવે સરકારે આ બંને ખરડાઓ અને શિયાળુ સત્રમાં એક દેશ એક ચૂંટણી ખરડો પણ રજુ કરવા માટે આગળ વધી રહી છે. ડીએમકેનું આ બદલાયેલું વલણ વિપક્ષો માટે મોટો આંચકો છે.
સુત્રોના જણાવયા મુજબ આગામી દિવસોમાં રાજનાથસિંહ તથા સરકારના સિનીયર મંત્રીઓ વિપક્ષના અલગ અલગ જુથો સાથે વાતચીત કરશે. સમગ્ર રાજકીય ઓપરેશનમાં બીજી તરફ કોંગ્રેસ અને સમાજવાદી પક્ષને અલગથલગ કરી દેવાનો વ્યુહ છે અને તેની સાથે કોઇ સંવાદ થશે નહીં તેવા સંકેત છે.
ગત એપ્રિલમાં સંસદમાં આ સીમાંકન ખરડો રજુ થયો હતો જેમાં મહિલા અનામતને પણ સાંકળી લેવાઇ હતી અને વિપક્ષોએ વિરોધ કરતા લોકસભામાં તે મંજૂર થઇ શકયો નહીં. પરંતુ હવે સરકાર પાસે જે રીતે પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ વિપક્ષના ભંગાણ બાદના બાગીઓ સાથે આવી રહ્યા છે તેથી આ ખરડો પસાર કરવાનું સરળ બની ગયું છે.
સંસદમાં સરકાર બે તૃતિયાંશ બહુમતીની અત્યંત નજીક પહોંચી ગઇ
સંસદમાં સરકારે બે તૃતિયાંશ બહુમતી માટેના આંકડા ગોઠવવાનું શરૂ કરી દીધુ છે. અને ખાસ કરીને લોકસભામાં સરકાર માટે જે ટફ સ્થિતિ છે તેમાં પણ હવે સરકાર બે તૃતિયાંશ બહુમતીની નજીક પહોંચી જશે તેવા સંકેત છે.
એનડીએમાં હવે તૃણમુલ કોંગ્રેસનું બાગી જુથ અને શિવસેના શિંદેની તાકાત વધતા કુલ 319 સાંસદો થયા છે જેમાં હવે એનસીપી શરદ પવાર જુથના 8, ડીએમકેના 22 તથા વાયએસઆર કોંગ્રેસના 4 સાંસદોને સાથે ગણતા 353 થાય છે અને તેથી હવે બે તૃતિયાંશ બહુમતી માટે સરકારને ફકત 10 બેઠકો વધી જરૂર છે અને તે માટે હવે આગામી દિવસોમાં વિપક્ષની છાવણીમાંથી ટેકો મેળવી લેવાશે. તેવો સરકારને વિશ્વાસ છે.
બીજી તરફ રાજયસભામાં સરકારને હવે બે તૃતિયાંશ બહુમતી માટે છ સદસ્યોની જરૂર છે. કુલ 245માંથી 163 સભ્યો સરકાર સાથે આવે તે માટે આગામી દિવસોમાં તૈયારી શરૂ થઇ જશે હાલ 157 જેટલા સભ્યો સરકાર પાસે છે.

