Mumbai,તા.20
લંડનના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3rd ODI મેચમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ એક અવિસ્મરણીય ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે 110 બોલનો સામનો કરીને 138 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી, જેમાં 17 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. આ સદી સાથે તે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી વધુ વન-ડે સદી ફટકારનાર વિદેશી બેટ્સમેન બની ગયો છે. જોકે, આ ઐતિહાસિક ઇનિંગ પાછળ એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છુપાયેલો છે, જેનો ખુલાસો મેચ બાદ ભારતીય ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે કર્યો છે.
ખરેખર, રોહિત શર્માએ આ મેચમાં પોતાના બેટથી નહીં, પરંતુ શાર્દુલ ઠાકુરના બેટથી સદી ફટકારી હતી. શાર્દુલ ઠાકુરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે SS કંપનીની બેટનો ઉપયોગ કરે છે અને કંપનીના માલિક જતિન સરીન ઉચ્ચ ગુણવત્તાવાળી બેટ મોકલે છે. એક દિવસ રોહિત શર્માએ આ બેટ જોઈ અને તેમને તે ખૂબ જ ગમી ગઈ. રોહિતે શાર્દુલ પાસે તેમાંથી 2 બેટ માંગ્યા હતા. શાર્દુલે વધુમાં ઉમેર્યું કે, રોહિત શર્માએ ભારતીય ક્રિકેટને એટલી બધી યાદગાર ક્ષણો આપી છે કે તેમને બેટ આપવાની ના પાડવાનો કોઈ સવાલ જ નહોતો. સૌથી મોટી ખુશીની વાત એ છે કે તેમણે લોર્ડ્સ જેવા પ્રતિષ્ઠિત મેદાન પર મારા બેટથી આ યાદગાર 34મી સદી ફટકારી.
રોહિત શર્મા અને શાર્દુલ ઠાકુર વચ્ચેનો સંબંધ માત્ર ભારતીય ટીમ પૂરતો સીમિત નથી. બંને ખેલાડીઓ મુંબઈ ક્રિકેટમાંથી આગળ આવ્યા છે, એક જ સ્કૂલમાં ક્રિકેટ શીખ્યા છે અને ઘરેલુ ક્રિકેટ સહિત મુંબઈ ઇન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાં પણ લાંબો સમય સાથે વિતાવ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓ શાર્દુલને પ્રેમથી ‘લોર્ડ શાર્દુલ’ કહીને બોલાવે છે, અને હવે લોર્ડ્સના મેદાન પર જ ‘લોર્ડ’ ના બેટથી હિટમેનની સદી આવતા આ સંયોગ વધુ ખાસ બની ગયો છે.આ મેચમાં ભારત 388 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરી રહ્યું હતું. રોહિત શર્મા શરૂઆતથી જ શાનદાર લયમાં દેખાતો હતો. જ્યારે તેણે પોતાની સદી પૂરી કરી, ત્યારે કોઈ આક્રમક જશ્ન મનાવવાને બદલે તેણે માત્ર મુઠ્ઠી ભીંચી હતી. આ દરમિયાન વિરાટ કોહલી તેની પાસે આવ્યો, તેને ગળે લગાવ્યા અને કાનમાં કંઈક કહ્યું, જેનાથી રોહિતના ચહેરા પર સ્મિત આવી ગયું. ત્યારબાદ રોહિતે બેટ ઊંચું કરીને ડ્રેસિંગ રૂમ અને સ્ટેન્ડમાં બેઠેલા પોતાના પરિવાર તરફ ઈશારો કર્યો હતો. હેડ કોચ ગૌતમ ગંભીરે પણ ઊભા થઈને તાળીઓ પાડી રોહિતને બિરદાવ્યો હતો.જોકે, રોહિત શર્માની આ શાનદાર ઇનિંગ ભારતીય ટીમને જીત અપાવી શકી નહીં. 388 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 27 રનથી મેચ હારી ગઈ હતી અને ઇંગ્લેન્ડે 3 મેચોની ODI સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. ભલે ભારત મેચ હારી ગયું હોય, પરંતુ રોહિત શર્માની આ સદી ક્રિકેટ ઈતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

