જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર બંને શખ્સ સામે ફરિયાદ
Rajkot,તા.07
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઠોઠારીયા (આણંદપર) ગામે જૂની અદાવતનું મનદુઃખ રાખીને યુવક અને તેના સાથીઓ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના કોઠારીયા ગામે રહી મજૂરીકામ કરતા ૩૨ વર્ષીય રવિભાઈ લક્ષ્મણભાઈ જાદવ નામના યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. વિગતો અનુસાર, આરોપીઓ દ્વારા અગાઉ થયેલી બોલાચાલી અને ઝઘડાની ખાર રાખીને રવિભાઈને ગામમાં આવેલી ઠક્કરની દુકાન નજીક રોડ પર બોલાવવામાં આવ્યા હતા. ત્યાં આરોપી વિશાલ કિશોરભાઈ વાઘેર તથા દિનેશભાઈ વાઘેરનો પુત્ર મોટરસાયકલ પર લોખંડના પાઈપ અને લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને બોલાચાલી શરૂ કરી દીધી હતી. આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને રવિભાઈ તથા તેમની સાથે હાજર અન્ય લોકોને જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહી ગાળો આપી હતી. ત્યારબાદ આરોપીઓએ પોતાના હાથમાં રહેલા લોખંડના પાઈપ અને લાકડી વડે રવિભાઈ પર અચાનક હુમલો કરી દીધો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા મનીષભાઈ, અશોકભાઈ અને સાઈભાઈ નામના અન્ય યુવકોને પણ આરોપીઓએ માર મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓએ ‘હવે પછી ગામમાં દેખાશો તો જાનથી મારી નાખીશું’ તેવી ગંભીર ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે રવિભાઈની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર ઉત્તર વિભાગના એસીપી વી.વી. જાડેજાએ આ મામલે આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

