Rajkotતા.૨૦
રાજકોટ શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવાય તેવા હેતુથી ઇન્વેસ્ટિચર સેરેમની (પદગ્રહણ સમારોહ) તેમજ મિશન હરિતોદય કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય અને સ્વાગતવિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્વેસ્ટિચર સેરેમની અંતર્ગત શાળાના પસંદગી પામેલા વિદ્યાર્થીઓને હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, સ્પોટ્ર્સ કેપ્ટન સહિતના વિવિધ નેતૃત્વના હોદ્દાઓ માટે સત્તાવાર બેજ અને સેશ અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળાની શિસ્ત જાળવવા, જવાબદારીપૂર્વક ફરજ નિભાવવાની તથા અન્ય વિદ્યાર્થીઓ માટે આદર્શ બનવાના શપથ લીધા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, નેતૃત્વ કોઈ પદ નથી પરંતુ જવાબદારી છે. આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના દેશના સશક્ત નાગરિક અને નેતાઓ બનવાના છે. શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત, સેવાભાવ અને સમાજ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ જરૂરી છે. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા, માતા-પિતા અને શિક્ષકોનું સન્માન કરવા તેમજ જીવનમાં સતત શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમના બીજા તબક્કામાં શાળાના સ્માર્ટ લિવિંગ પ્રોગ્રામ અંતર્ગત આયોજિત મિશન હરિતોદય અભિયાન હેઠળ ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિદ્યાર્થીઓને પર્યાવરણના જતન, વૃક્ષારોપણ, પાણીના સંરક્ષણ અને સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને વૃક્ષોના મહત્વ અંગે સમજાવવામાં આવી અને તેમને પોતાના જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, પ્રકૃતિનું સંરક્ષણ એ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. આજે વાવવામાં આવેલું એક વૃક્ષ આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ જીવનની અમૂલ્ય ભેટ આપી શકે છે.
પ્રિન્સિપાલ શ્રીમતી કોકિલા મુરલી તથા ડીન શ્રી મુરલી કૃષ્ણ મૂર્તિના માર્ગદર્શન હેઠળ, શિક્ષકગણ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ કાર્યક્રમના સફળ આયોજન માટે ઉત્સાહભેર કામગીરી કરી હતી. સૌના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો હતો. શાળા પરિવાર દ્વારા મુખ્ય અતિથિનું સન્માન કરી સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે શાળા સંચાલકમંડળે ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા શિક્ષણની સાથે નેતૃત્વ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવા માટે સતત આવા કાર્યક્રમો યોજાતા રહેશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

