London, તા. 21
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પ્રથમ બે મેચમાં નબળાં પ્રદર્શન બાદ રોહિત શર્માએ ત્રીજી અને નિર્ણાયક મેચમાં ધમાકેદાર વાપસી કરી છે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ખરાબ પરિસ્થિતિ વચ્ચે 138 રનની સદી ફટકારીને રોહિત શર્માએ આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની રેન્કિંગમાં લાંબી છલાંગ લગાવી છે.
પ્રથમ બે મેચમાં ફ્લોપ રહ્યાં બાદ સીધાં ચોથા સ્થાને પહોંચીને તેમણે આલોચકોને જડબાતોડ જવાબ આપ્યો છે.રોહિત શર્માએ 3 મેચોની આ સિરીઝમાં 58.33ની શ્રેષ્ઠ એવરેજથી કુલ 175 રન બનાવ્યાં છે.
આ સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સુકાની શુભમન ગિલ (188 રન) બાદ રોહિત શર્મા બીજા નંબરે રહ્યાં છે, જ્યારે દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી 144 રન સાથે આ યાદીમાં 5મા સ્થાને છે. આ રીતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેનોમાં ત્રણ ભારતીયોએ સ્થાન મેળવ્યું છે.

