(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧
ધ્રોલના ચંદનવાસ વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારે ધીરધાર લાઇસન્સધારક સામે ઊંચા વ્યાજે નાણાં આપીને મુદ્દલ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ વ્યાજ અને મુદ્દલની ઉઘરાણી માટે ધમકી આપ્યાનો આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૩ દરમિયાન ફરિયાદીના પિતાએ સારવાર માટેની જરૂરિયાતને પગલે ધ્રોલના એક ધીરધાર લાઇસન્સધારક પાસેથી રૂ. ૨૫ હજાર માસિક રૂ. ૨,૫૦૦ (૧૦ ટકા) વ્યાજે ઉધાર લીધા હતા. તે સમયે સુરક્ષા તરીકે કોરો ચેક પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દર મહિને રોકડ તેમજ ગૂગલ પે મારફતે વ્યાજની રકમ ચૂકવાતી રહી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ગૂગલ પે, રોકડ અને અન્ય માધ્યમો દ્વારા કુલ રૂ. ૧.૧૫ લાખ જેટલી રકમ ચૂકવવામાં આવી હોવા છતાં આરોપીએ મૂળ રૂ. ૨૫ હજાર પરત આપવાની માંગ ચાલુ રાખી હતી. પરિવાર દ્વારા વધુ વ્યાજ ચૂકવવાનો ઇનકાર કરી કોરો ચેક પરત માંગતાં આરોપીએ ચેક બેંકમાં રજૂ કરવાની તેમજ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.
ફરિયાદ અનુસાર થોડા દિવસો બાદ આરોપીના કર્મચારી તરીકે ઓળખાતા મુસ્તફા ઇંટના ભઠ્ઠા પર પહોંચી મુદ્દલ અને વ્યાજની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી હતી. રૂપિયા નહીં આપો તો ‘‘જોઈ લઈશું‘‘ તેવી ધમકી આપી બળજબરીપૂર્વક ઉઘરાણી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ બનાવ અંગે જીવણભાઈ દેવજીભાઈ ચાવડાની ફરિયાદના આધારે ધ્રોલ પોલીસે ધીરધાર લાઇસન્સધારક તોસીફ જુસબભાઈ દલ અને તેના કર્મચારી મુસ્તફા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

