New Delhi,તા.22
ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુએ પોતાની દમદાર વાપસીનો શ્રેય ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને આપ્યો છે. તેમણે 2 દિવસ પહેલાં શનિવારે જાપાન ઓપન સુપર-750નો ખિતાબ જીત્યો અને મેડલ પોતાના નામે કર્યો છે. પી.વી સિંધુએ જાપાન ઓપનની ફાઇનલમાં ત્રણ વારની વર્લ્ડ ચેમ્પિયન અકાને યામાગુચીને 21-17, 21-17 થી હરાવી હતી.જેમાં સિંધુએ લગભગ 2 વર્ષ પછી આ ખિતાબ પોતાના નામે કર્યો છે. 31 વર્ષની પીવી સિંધુએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોતાના કમબેકમાં કોહલીની ભૂમિકાનો મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, કરિયરના સૌથી મુશ્કેલ તબક્કામાં તેમણે વિરાટ પાસે સલાહ લીધી હતી, અને તેમની એક શિખામણે સમગ્ર વિચાર બલવી નાંખ્યો હતો.સિંધુએ લખ્યું કે, ‘મેં સતત ઇજાઓ, ખરાબ પ્રદર્શન અને માનસિક દબાણ વચ્ચે વિરાટ કોહલીનો સંપર્ક કર્યો. કોહલીએ થોડી જ મિનિટોમાં જવાબ આપ્યો અને પછીના દિવસે તેમની સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમના પતિ વેંકટ દત્તા સાઈ પણ હાજર હતા.’
સિંધુએ કહ્યું કે, ‘ઇજા દરમિયાન ઘણી વાર આત્મવિશ્વાસ ડગમગ્યો, પરંતુ મેં મારી જાત પરનો ભરોસો ગુમાવ્યો નહીં. જાપાન ઓપનનો આ ખિતાબ માત્ર એક ટ્રોફી નથી, પરંતુ એ વાતની સાબિતી છે કે, મારી સફર હજુ પૂરી નથી થઈ.’હવે સિંધુની નજર ચાઇના ઓપન, વર્લ્ડ ચેમ્પિયનશિપ અને લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 પર છે. તેમના પતિ વેંકટ દત્તા સાઈનું કહેવું છે કે, ટીમનો અંતિમ લક્ષ્ય હજુ પણ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનો છે.

