યુવકે પ્રેમલગ્ન કર્યા હોવાથી પિતા નારાજ હતા; મહિલાએ ધમકી આપતા યુવાને હોસ્પિટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ
Rajkot તા.૨૩
શાપર નજીક શીતળા માતાજીના મંદિર પાસે રહેતી નવપરિણીતા અને તેના પતિએ યુવતીના પિતાના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. પિતાની ધમકીઓથી કંટાળીને પ્રથમ પત્નીએ ઘરે ઉંદર મારવાની દવા પીધી હતી, ત્યારબાદ હોસ્પિટલમાં સસરાએ ફોન પર ત્રાસ આપતા પતિએ પણ હોસ્પિટલ પરિસરમાં જ એસિડ ગટગટાવી લીધું હતું. હાલ બંને દંપતીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ શાપરમાં રહેતી અંજલિબેન સોલંકી (ઉં.વ. ૧૯) એ એક માસ પૂર્વે જ ગોંડલના ભગવતીપરા વિસ્તારમાં રહેતા સુનિલ દિલીપભાઈ સોલંકી (ઉં.વ. ૨૫) સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, આ લગ્ન અંજલિબેનના પિતા દેવરાજભાઈને મંજૂર ન હોય, તેઓ અવારનવાર બંનેને ત્રાસ આપતા હતા. અંજલિબેનના જણાવ્યા અનુસાર ગઈકાલે બપોરના આશરે ૩૦૦ વાગ્યાના સુમારે તેઓ ઘરે હતા ત્યારે તેમના પિતાએ દારૂના નશામાં માર મારવાની ધમકીઓ આપતા મન પર લાગી આવવાથી તેમણે ઉંદર મારવાની દવા પી લીધી હતી. તેમને ત્વરિત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બીજી તરફ, પત્ની અંજલિબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય ત્યારે રાત્રિના આશરે ૮૩૦ વાગ્યાના સુમારે પતિ સુનિલ સોલંકી તેમને મળવા પહોંચ્યો હતો. એ સમયે તેના સસરા દેવરાજભાઈએ તેને ફોન કરીને ‘‘મારી દીકરીને છોડી દે‘‘ તેમ કહી ધમકાવી માનસિક ત્રાસ આપ્યો હતો. સસરાના સતત ત્રાસથી કંટાળીને સુનિલે પણ સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ પાસે એસિડ પી લીધું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સુનિલ કારખાનામાં કામ કરે છે, પોતે ચાર ભાઈ બે બહેનમાં નાના છે. હાલ પોલીસે દંપતીના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.

