ગૃહ કલેશથી કંટાળીને દિનેશભાઈએ જીવન લીલા સંકેલી લીધી, ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
Rajkot તા.૨૪ઃ
શહેરના ભગવતીપરા પાસે આવેલા સુખસાગર વિસ્તારમાં મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી (સફાઈ) વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ ગૃહકંકાસથી કંટાળીને પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, ભગવતીપરા પાસે સુખસાગરમાં રહેતા અને મનપાના સફાઈ વિભાગમાં ફરજ બજાવતા દિનેશભાઈ વસરામભાઈ સોલંકી (ઉં.વ. ૫૧) ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે તેમણે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ પરિવારજનોને થતાં જ તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક દિનેશભાઈને દારૂ પીવાની ટેવ હતી અને તે બાબતે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. ગૃહકલેશથી કંટાળીને જ તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માનવામાં આવી રહ્યું છે. મૃતક દિનેશભાઈ સંતાનમાં એક દીકરો અને ત્રણ દીકરીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત છવાયો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

