New Delhi, તા.27
કેન્દ્ર સરકારે ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા વ્યવહારો પર દેખરેખ વધારવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ ક્રિપ્ટો એસેટ્સની રિપોર્ટિંગ માટે નવા દિશા-નિર્દેશો જાહેર કર્યા છે.
આ નિયમોનો હેતુ ક્રિપ્ટો વ્યવહારોને વધુ પારદર્શી બનાવવાનો, ટેક્સ કમ્પ્લાયન્સને મજબૂત કરવાનો અને કર ચોરી પર રોક લગાવવાનો છે. જોકે, આ દિશા-નિર્દેશો હેઠળ ક્રિપ્ટો રોકાણકારો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. સરકારે માત્ર રિપોર્ટિંગ વ્યવસ્થાને કડક બનાવી છે.
ક્રિપ્ટો એક્સચેન્જોની વધશે જવાબદારી
નવા નિયમો હેઠળ ક્રિપ્ટો એક્સચેન્જો અને અન્ય રિપોર્ટિંગ ક્રિપ્ટો-એસેટ સેવા પ્રદાતાઓએ પોતાનાં ગ્રાહકોની પૂરી માહિતી એકઠી કરવી પડશે. તેમાં ગ્રાહકના કેવાયસી (KYC), ટેક્સ રેસિડેન્સી, ટેક્સ ઓળખ સંખ્યા (TIN) અને ક્રિપ્ટો વ્યવહારોનો રેકોર્ડ સામેલ હશે.
આ સંસ્થાઓએ આ માહિતી નિર્ધારિત સમય પર આવકવેરા વિભાગને આપવાની રહેશે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ક્રિપ્ટો રોકાણથી થતી આવકને આવકવેરા રિટર્નમાં યોગ્ય રીતે જાહેર કરવામાં આવે.
જો કોઈ વ્યક્તિ ક્રિપ્ટો એસેટ્સનો ઉપયોગ કરીને 50,000 અમેરિકી ડોલર (લગભગ 43 લાખ રૂપિયા) અથવા તેથી વધુ મૂલ્યના સામાન કે સેવાઓની ચૂકવણી કરે છે, તો આવા વ્યવહારની રિપોર્ટ સંબંધિત સંસ્થાઓએ કરવાની રહેશે. આ ઉપરાંત ક્રિપ્ટોની ખરીદ-વેચાણ, એક્સચેન્જ, ટ્રાન્સફર અને અન્ય નિર્ધારિત વ્યવહારોની વિગતો પણ આવકવેરા વિભાગ સાથે શેર કરવામાં આવશે.
રોકાણકારો શું કરે?
નિષ્ણાતોનું કહેવું છે કે ક્રિપ્ટો રોકાણકારોએ હવે પોતાનાં તમામ વ્યવહારોનો વ્યવસ્થિત રેકોર્ડ રાખવો જોઈએ. ખરીદી, વેચાણ, ટ્રાન્સફર અને નફા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો સુરક્ષિત રાખવા જરૂરી બનશે. આવકવેરા રિટર્ન ભરતી વખતે ક્રિપ્ટોથી થયેલી આવકની સાચી વિગતો આપવી પહેલાં કરતાં વધુ મહત્વપૂર્ણ બની જશે.
જો કોઈ રોકાણકારે વિદેશી ક્રિપ્ટો પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હોય, તો તેણે પણ પોતાની ટેક્સ જવાબદારીઓનું પાલન કરવું પડશે, કારણ કે દેશો વચ્ચે માહિતી શેર કરવાની વ્યવસ્થા લાગું કરવામાં આવી રહી છે.
72 ટકા ક્રિપ્ટો રોકાણકારો ભારતમાં 35 વર્ષથી ઓછી ઉંમરનાં છે. 40 ટકા જેટલા રોકાણકારો ભારતમાં ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી છે.
વિદેશી રોકાણ છુપાવવું મુશ્કેલ બનશે
ભારતે આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન (OECD)ના ક્રિપ્ટો-એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્કને અપનાવ્યું છે. આ હેઠળ ભાગ લેનારાં દેશો ક્રિપ્ટો રોકાણકારો સાથે જોડાયેલી કર સંબંધિત માહિતી એકબીજા સાથે શેર કરી શકશે. જો કોઈ ભારતીય રોકાણકાર વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જ પર કારોબાર કરે છે, તો તે વ્યવહારની માહિતી પણ ભારતીય કર અધિકારીઓ સુધી પહોંચી શકે છે.
દેશમાં 12 કરોડ રોકાણકારો
સર્વેક્ષણ અનુસાર, ભારતમાં લગભગ 11.9 કરોડ લોકો કોઈને કોઈ સ્વરૂપે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી ચૂક્યાં છે અથવા તેમની પાસે ક્રિપ્ટો હોલ્ડિંગ છે. આ ભારતની કુલ વસ્તીનાં લગભગ 8 ટકા હિસ્સો છે.
તેમાંના લગભગ 72 ટકા ક્રિપ્ટો રોકાણકારો 35 વર્ષથી ઓછી ઉંમરનાં છે. લગભગ 40 ટકા રોકાણકારો મેટ્રો શહેરોમાંથી નથી. મોટાભાગનાં રોકાણકારો કુલ રોકાણ રકમનો 10 ટકાથી ઓછો હિસ્સો ક્રિપ્ટોમાં લગાવે છે.
આ દિશા-નિર્દેશોથી ક્રિપ્ટોકરન્સી પર લાગું વર્તમાન કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ અને મોટાભાગનાં વ્યવહારો પર એક ટકા ટીડીએસની જોગવાઈ પહેલાની જેમ જ લાગું રહેશે. માત્ર રિપોર્ટિંગ, માહિતી સંગ્રહ અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ટેક્સ સંબંધિત માહિતી શેર કરવાની પ્રક્રિયાને મજબૂત કરવામાં આવશે.

