Rajkot, તા.28
રાજકોટમાં માતા-પિતા અને પુત્રના સામુહિક આપઘાતથી અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવમાં આર્થિક સંકળામણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે. સાંજે રઘુવંશી પરિવારમાં ત્રણેયે સભ્યોએ પોતાના ઘરે સોડા સાથે ઝેરી દવા ગટગટાવી પગલું ભર્યું હતું.
ત્રણેયને સિવિલ હોસ્પિટલ ખસેડતા પ્રથમ માતા બાદ પિતા અને છેલ્લે પુત્રએ પણ દમ તોડી દીધો હતો. મૃતક પિતા દિલીપભાઈ ખખ્ખર આર એન્ડ બી ના નિવૃત કર્મચારી હતા, પુત્ર કંઈ કામ ધંધો કરતો નહોતો, વ્યાજખોરોના ત્રાસથી પગલું ભર્યાંની દિશામાં તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે યોગેશ્વર પાર્ક નજીક અંજતા પાર્કમાં ડી-9 નંબરના બ્લોકમાં રહેતા દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (ઉંમર વર્ષ 72) તેમના પત્ની સ્મિતાબેન (ઉંમર વર્ષ 65) અને પુત્ર નિશીત (ઉંમર વર્ષ 32)એ ગત સાંજે પાંચેક વાગ્યે પોતાના ઘરે સોડા સાથેજ સેલફોરની ઝેરી દવા ભેળવી પી લેતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રથમ સ્મિતાબેન, બાદ દિલીપભાઈ અને ત્યાર બાદ નિશિતનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
યુનિવર્સીટી પોલીસે તત્કાલ તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર દિલીપભાઈ આર એન્ડ બી માં ફરજ બજાવી નિવૃત થયા હતા. તેમને સંતાનમાં બે દીકરા મોટો નિશિત અને નાનો પરાગ હતો.
પરાગનું વર્ષ 2018માં અકસ્માતે મોત થયું હતું. આ તરફ નિશિત કંઈ કામ ધંધો કરતો નહોતો. તેણે અનેક વ્યક્તિ પાસેથી પૈસાની લેતી દેતી કરી હતી. જેથી ઉઘરાણીઓ પણ થતી હતી. પરિવાર આર્થિક સંકળામણમાં હતો. કદાચ વ્યાજખોરોની હેરાનગતિ પણ હોય શકે. જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

