અજાણ્યા શખ્સો ઇજાગ્રત હાલતમાં યુવાનને ઘરે ફેંકી ગયા બાદ સારવારમાં દમ તોડ્યો : ન્યાયની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
Rajkot,તા.27
શહેરના રૂખડિયાપરામાં રહેતા 23 વર્ષીય યુવકને ચા પીવા લઇ જવાના બહાને ઘરેથી મિત્ર લઇ ગયા બાદ તેને ઢોર માર મારી હત્યા નિપજાવી અજાણ્યા શખ્સો ઘર પાસે બેભાન હાલતમાં ફેંકી ગયા બાદ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સિવિલ હોસ્પિટલે એકઠા થયેલા પરિવારજનોએ ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના રેલવે સ્ટેશન સામે આવેલ રૂખડિયાપરામાં જૂની વાયરલેસ ઓફિસ પાસે રહેતા અને પિતા સાથે કલરકામની મજૂરી કરતા ઉમંગ રણજીતભાઇ જાખેલીયાં ઉ.23 આજે બપોરે ઘરે હતો ત્યારે નજીર નામનો મિત્ર તેને ચા પીવાના બહાને ઘરેથી લઇ ગયો હતો અને થોડા સમય પછી અજાણ્યા શખ્સો તેને બેભાન હાલતમાં ઘર પાસે ફેંકીને ભાગી ગયા હતા પરિવારજનોએ પુત્રને જોતા તેને શરીરે મૂંઢ ઈજાઓ થયેલી જોવા મળી હતી જેથી તુરંત 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ અહીં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો બનાવની જાણ થતા પ્રનગર પીઆઇ મકવાણા, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની ટિમ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગઈ હતી અને જે મિત્ર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે તેની શોધખોળ હાથ ધરી હતી હોસ્પિટલે મૃતકના પિતા રણજીતભાઇએ જણાવ્યું હતું કે અમારે ન્યાય જોઈએ છે અમને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહિ.

