New Delhi, તા. 29
ઝિમ્બાબ્વે સામેની તાજેતરની ટી-20 શ્રેણીમાં ભારતનાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાનાં વિસ્ફોટક પ્રદર્શનથી સૌ કોઈને ચોંકાવી દીધાં છે. વૈભવ શ્રેણીનાં બે મેચમાં માત્ર 18 બોલમાં અને 31 બોલમાં તાબડતોબ અડધી સદી ફટકારીને આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેને ’પ્લેયર ઓફ ધ સીરીઝ’ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તે આ એવોર્ડ જીતનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે.
વૈભવની આ શાનદાર ઈનિંગ્સ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી. ઈરફાને લખ્યું કે, ‘આ બાળક ટીમમાં જે ખેલાડીની જગ્યા લેશે, તેને સરળતાથી પાછા આવવા નહીં દે! વૈભવ ખરેખર કેટલો ખાસ ખેલાડી છે?’ ઈરફાનની આ પોસ્ટ વાયરલ થતાં જ ફેન્સ એવી અટકળો લગાવી રહ્યાં છે કે આ નિશાન ભારતીય ટીમમાં વાપસીની રાહ જોઈ રહેલાં સંજુ સેમસન તરફ છે.
આયર્લેન્ડ સામેની શ્રેણીમાં સંજુ સેમસન ભારતીય ટીમનો મુખ્ય ઓપનર હતો, પરંતુ સતત ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. બીજી તરફ, યુવા ઓપનર અભિષેક શર્મા પણ પોતાની છેલ્લી છ મેચોમાં ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં વૈભવ સૂર્યવંશીના તોફાની ફોર્મને કારણે ટી-20 ટીમની પ્લેઈંગ-11 માં સેમસન અને અભિષેક શર્માનું સ્થાન હવે જોખમમાં મુકાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે.
હવે ભારતની આગામી ટૂંકા ફોર્મેટની મેચો માટે પસંદગીકારો સેમસન, અભિષેક કે વૈભવમાંથી કોને ઓપનિંગની તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે. જોકે વૈભવના કોચ વીવીએસ લક્ષ્મણે તેની ફિટનેસને લઈને થોડી સલાહ પણ આપી છે, પરંતુ હાલમાં વૈભવની આક્રમક બેટિંગે ભારતીય ક્રિકેટ જગતમાં ધુમ મચાવી છે.

