Virpur,તા.29
દેશ-વિદેશમાંથી હજારો ભાવિકો દર્શનાર્થે પહોંચ્યા; ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાના હસ્તે ગુરુ ભોજલરામ બાપાની સમાધિનું વિધિવત પૂજન…
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. દેશ-વિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ પૂજ્ય સંત શ્રી જલારામબાપાના દર્શન તેમજ તેમના ગુરુ પૂજ્ય ભોજલરામ બાપાની સમાધિના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે સમગ્ર યાત્રાધામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું. જલારામબાપાની જગ્યાએ વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. જલારામબાપાને પોતાના ગુરુ તરીકે માનતા ભક્તોએ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ‘‘જલારામ ધૂન‘‘ ગાઈને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.

