ત્રણનો આબાદ બચાવ
Kheda,તા.૩
સમગ્ર રાજ્ય સાથે ખેડા જિલ્લામાં પણ જામેલા વરસાદી માહોલ વચ્ચે એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દેનારી દુર્ઘટના હાલ ઠાસરાના નેસ ગામેથી સામે આવી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા નેસ ગામમાં ગઈકાલે મોડી રાત્રે એક મકાનની કાચી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ભયાનક હોનારતમાં મકાનમાં ઊંઘી રહેલાં સાસુ અને પુત્રવધુનું દબાઈ જવાથી સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે, જેના કારણે સમગ્ર ગામમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ કરુણ ઘટના ઠાસરા તાલુકાના નેસ ગામે આવેલા વાળંદ ફળિયામાં ગઈકાલે ૨જી અને ૩જી ઓગસ્ટની વચ્ચે મોડી રાત્રે બની હતી. ખેડા પંથકમાં સતત પડી રહેલા વરસાદ અને ભેજના કારણે મકાનની દીવાલ નબળી પડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે પરિવારના સભ્યો નિદ્રાધીન હતા ત્યારે અચાનક જ જર્જરિત દીવાલ ધડાકાભેર કડી પડી હતી અને આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો.
આ ભયાનક દુર્ઘટનામાં મકાનમાં રહેતાં સાસુ પુનમબેન વાળંદ અને તેમનાં પુત્રવધુ સોહમબેન વાળંદ પર દીવાલનો ભારે કાટમાળ પડતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંનેનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક જ ઘરમાંથી સાસુ અને પુત્રવધુના એકસાથે કરુણ મોત થતાં વાળંદ ફળિયા સહિત આખા ગામમાં અરેરાટી સાથે ભારે કંપારી છવાઈ ગઈ હતી.
ઘટના બની તે સમયે મકાનમાં પરિવારના એકસાથે કુલ પાંચ લોકો હાજર હતા. જોકે, કુદરતની કૃપાથી પરિવારના અન્ય ત્રણ સભ્યો – પુત્ર પ્રવીણભાઈ તથા તેમની બે માસૂમ પુત્રીઓ ૧૩ વર્ષીય નિશા અને ૮ વર્ષીય આરોહીનો આબાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત બાળકીઓ નિશા અને આરોહીને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
મોડી રાત્રે ધડાકો થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી વચ્ચે માનવતા દાખવીને દીવાલનો કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ નીચેથી તમામ પાંચેય સભ્યોને બહાર કાઢ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ સાસુ અને પુત્રવધુને બચાવી શકાયા નહોતા.
નોંધનીય છે કે, ચોમાસાની ચાલુ સીઝનમાં સતત વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં આવેલાં કાચાં અને જૂનાં મકાનો ધરાશાયી થવાનો ભય સતત તોળાતો રહે છે. નેસ ગામની આ દુર્ઘટના બાદ સ્થાનીય તંત્ર દ્વારા પણ ઘટના સ્થળની મુલાકાત લઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ચોમાસા દરમિયાન જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.

