Banaskantha,તા.૩
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના અમીરગઢના કાનપુરમાં ચાંદીપુરા વાયરસથી ૧૦ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. બાળકને તાવ અને ખેંચ આવતા તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. જ્યાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. આ બાળકના મોત બાદ તંત્રમાં હડકંપ મચી ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને કારણે ૧૦ વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. બાળકનું મોત થયા બાદ આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ સર્વે હાથ ધર્યો છે. મૃતક બાળકના ઘરની આસપાસ દવાનો છંટકાવ અને ડસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી બે બાળકોના મોત થયા છે.
પાટણ જિલ્લામાં પણ વધુ એક બાળકોનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકીની સારવાર ધારપુર સ્થિત સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં ચાલી રહી છે. બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તંત્રએ ગામમાં સર્વે, ડસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. જિલ્લામાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસને કારણે એક બાળકનું મોત થયું છે.

