New Delhi તા. 4
ફિફા અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનો હાલ મોટી મુશ્કેલીમાં ફસાયા છે. ફૂટબોલ વિશ્વકપમાં ખાનગી રોકાણકારોને 20 ટકા હિસ્સો વેચવાની તેમની લગભગ 4.2 અબજ ડોલર એટલે કે 40,000 કરોડ રૂપિયાની યોજના તેમના માટે મુસીબત બની ગઈ છે.
યુનિયન ઓફ યુરોપિયન ફૂટબોલ એસોસિએશન (UEFA) એ આ યોજનાની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી છે. બ્રિટનનાં વડાપ્રધાન એન્ડી બર્નહેમ પણ તેમનાં વિરોધમાં ઉભા રહી ગયાં છે અને કહ્યું કે ઇન્ફેન્ટિનો ફૂટબોલને આગળ લઈ જવા માટે યોગ્ય વ્યક્તિ નથી.
આ યોજનાના વિરોધમાં દુનિયાભરમાંથી વિરોધ થઈ રહ્યો છે. વેલ્સ ફૂટબોલ સંઘે ઇન્ફેન્ટિનોના ફરીથી ચૂંટણીનાં અભિયાનમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. વેલ્સ આવું કરનારો પહેલો દેશ બન્યો છે.
ઇંગ્લિશ ફૂટબોલ સંઘ પણ સમર્થન પાછું ખેંચવાની તૈયારીમાં છે. બંને દેશોએ વિશ્વકપ જેવી ટુર્નામેન્ટમાં ખાનગી રોકાણકારોને હિસ્સો વેચવાની અધૂરી યોજનાનાં કારણે આ પગલું ભર્યું છે. હાલ ફિફાના 211 સભ્ય દેશોમાંથી 143 દેશ ઇન્ફેન્ટિનોના વિરોધમાં છે.
વિરોધ વધતાં ઇન્ફેન્ટિનોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે સમર્થન માંગ્યું છે. દરમિયાન તેમને પદ પરથી હટાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. ફિફા કાઉન્સિલની ઇમરજન્સી બેઠક બોલાવીને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા અધ્યક્ષને હટાવી શકાય છે.
તેનાં માટે કાઉન્સિલના 37માંથી 19 સભ્યોનાં વોટ જોઈએ. વૈકલ્પિક રીતે 2027ની ચૂંટણીમાં પણ તેમને હરાવી શકાય છે, જેનાં માટે 18 નવેમ્બર પહેલાં વિરોધીઓએ ઉમેદવાર નક્કી કરવા પડશે.

