(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
Jamnagarમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતી પર આશરે આઠ મહિના સુધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર લીધા બાદ તેને જેલ હવાલે કરી દેવાયો છે. સ્નેપ ચેટ ના આધારે યુવતી ના સંપર્કમાં આવ્યો હતો.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જામનગરની એક યુવતીનો પરિચય સ્નેપ ચેટ ના માધ્યમથી શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા યશરાજસિંહ પૃથ્વીસિંહ સોઢા સાથે થયો હતો. આરોપીએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની ખાતરી આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદ અનુસાર, આરોપી યુવતીને પોતાના ઘરે તેમજ સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની એક અવાવરુ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. આશરે આઠ મહિના બાદ આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. બાદમાં યુવતીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને એક દિવસના રિમાન્ડ પર લેવાયો હતો, અને તેની પાસેથી બે મોબાઈલ પણ કબજે કરી લીધા હતા. જેની રિમાન્ડર ની મુદત પૂરી થતાં તેને જેલમાં મોકલી દેવાયો છે.

