પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૪
Jamnagar જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરા પર ધાક-ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આરોપીના સતત માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને સગીરાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા પર આરોપી મેશુર મિયાજણ કેશુર (ઉ.વ.૨૪)એ નજર બગાડી હતી. તેણે સગીરાને બળજબરીથી પોતાનો મોબાઈલ નંબર આપીને સંપર્ક કરવા મજબૂર કરી હતી. ત્યારબાદ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સતત માનસિક દબાણ ઊભું કર્યું હતું.ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ, આરોપી સગીરાને અલગ-અલગ સમયે એક હોટલ તેમજ દુકાનમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરુદ્ધ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આરોપીના સતત ત્રાસથી કંટાળેલી સગીરાએ પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની તબિયત લથડતાં પરિવારજનોએ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી સારવાર કરાવી હતી. સારવાર દરમિયાન સગીરાએ પરિવારજનોને પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના જણાવતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન પીઆઈ એચ.વી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી મેશુર કેશુરની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યો છે. પીડિતાનું તબીબી પરીક્ષણ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

