વર્ષ ૨૦૨૪માં આરોપીએ અન્ય એક શખ્સની મદદથી સગીરાને અપહરણ કરીને તેણીને મેઘા અલિયાસણા ગામે ભેંસો બાંધવાના વાડામાં ઓરડીમાં લઈ ગયો હતો
Mehsana, તા.૫
વિસનગર તાલુકાની એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં મહેસાણાના મેઘા અલિયાસણાના આરોપીને વિસનગરની સ્પે. પોક્સો કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને રૂ.૩૪ હજારનો દંડ ફટકાર્યો છે.મહેસાણાના મેઘા અલિયાસણા ગામના કિરણભાઈ ઉર્ફે કરીમ રમેશભાઈ ચૌધરીએ વિસનગર તાલુકાની એક સગીરાનો અવારનવાર પીછો કરતો હતો. કરીમ તેણીને લલચાવી ગત તા.૯-૧૧-૨૦૨૪ના રોજ અન્ય એક શખ્સની મદદથી ગાડીમાં અપહરણ કરીને તેણીને મેઘા અલિયાસણા ગામે ભેંસો બાંધવાના વાડામાં ઓરડીમાં લઈ ગયો હતો. જ્યાં તેણી સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બાબતે આરોપી કિરણભાઈ ઉર્ફે કરીમ ચૌધરી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ વિસનગર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલ સી.બી.ચૌધરીએ કોર્ટ સમક્ષ વિવિધ પુરાવા રજૂ કર્યા હતા અને સાક્ષીઓ તપાસી આરોપીને મહત્તમ સજા કરવા અંગે દલીલો કરી હતી. જે ગ્રાહ્ય રાખીને વિસનગર સ્થિત મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એન.એસ.સિદ્દીકીએ આરોપી કિરણભાઈ ઉર્ફે કરીમ રમેશભાઈ ચૌધરીને કસુરવાર ઠેરવી વિવિધ કલમો હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ.૩૪ હજાર દંડ ફટકાર્યો હતો. અપીલ સમય બાદ દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવી આપવાનો પણ આદેશ કર્યો હતો. કોર્ટે ભોગ બનનારને વળતર પેટે રૂ.૩ લાખ ચૂકવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને દરખાસ્ત કરી હતી. ઉલ્લેખનિય છે કે, આ કેસમાં સહઆરોપી અક્ષય ઉર્ફે અક્ષો ઉર્ફે કબીર રાજુભાઈ ચૌધરી (રહે.બામોસણા, તા.વિસનગર) નાસતો ફરતો હોવાથી તેની સામે ટ્રાયલ પેન્ડિંગ છે.

