Gandhinagar, તા.૫
શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી સાસરી પક્ષનો ભાણિયો અને તેની પત્નીએ નિવૃત્ત PSI સાથે રૂ.૧.૯૪ કરોડની છેતરીપિંડી આચરી હોવાનો બનાવ ગાંધીનગરના સેકટર ૭ પોલીસ મથકમાં નોંધાયો છે. તેના આધારે પોલીસે CA દંપતી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.ગાંધીનગર સેક્ટર-૫બીમાં રહેતા નિવૃત્ત પીએસઆઇ શૈલેષભાઈ બચુભાઈ નાયકે સરગાસણ મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતા સાસરી પક્ષના ભાણિયા જ્વલિન ઉર્ફે જય પ્રકાશભાઈ નાયક અને તેના પત્ની બોસ્કી સામે ફરિયાદ નોંધાવી છે. આ દંપતી CA હોવાથી પીએસઆઇનું ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હતા જેથી તેઓ તેમના પરિવારની આર્થિક સ્થિતિથી સારી રીતે જાણતા હતા. વર્ષ ૨૦૨૪માં દંપતીએ ફોજદારના ઘરે જઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ઊંચી જગ્યાએ રોકાણ કરી ઊંચો નફો કમાઈ આપવાની વાત કરી હતી અને દાવો કર્યો હતો કે તે સાબરમતી ગેસ કંપનીમાં CA તરીકે નોકરી કરે છે અને કોન્ટ્રાક્ટરોના બિલો તેની સહીથી મંજૂર થતા હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો.ફરિયાદ મુજબ આરોપી CA દંપતીએ ફરિયાદીના નામે ડીમેટ એકાઉન્ટ ખોલી તેનો લોગિન આઈડી અને પાસવર્ડ પોતાની પાસે રાખીને ઓપરેટ કર્યું હતું. એક તબક્કે ડીમેટમાં ૨.૩૮ કરોડ રૂપિયાનો નફો બતાવી નાણાં પરત આપવાના સમયે ગલ્લા-તલ્લા કર્યા હતા. શંકા જતાં તપાસ કરતા માલૂમ પડ્યું કે આરોપીએ ઈમેલ આઈડી બદલી નાખ્યું હતું. આ ઉપરાંત, ફરિયાદીને વિશ્વાસ અપાવવા માટે એસ.બી.આઈ. બેંકના બનાવટી સિક્કા મારેલી બનાવટી ભરણા સ્લિપ મોકલી ૫ લાખ જમા કરાવ્યા હોવાનો નકલી દાવો પણ કર્યો હતો.ફરિયાદીએ પોતાના બાકી નીકળતા ૧,૩૧,૭૫,૦૦૦ પરત માગતા, CA દંપતીએ આરોપીએ પહેલા મકાનનું બાનાખત કરી આપ્યું હતું અને આપેલા બેંકના ચેક પણ સાઈન ડીફરના શેરા સાથે બાઉન્સ થયા હતા. ત્યારબાદ જ્યારે ફરિયાદીએ કડક ઉઘરાણી કરી ત્યારે આરોપી જ્વલિને પોતે રાજકીય સંપર્કો ધરાવે છે તેમ કહી જાનથી મારી નાખવાની તથા પરિવારનું અપહરણ કરવાની ધમકી આપી હતી. હાલ સેક્ટર-૭ પોલીસે આ અંગે છેતરપિંડી, વિશ્વાસઘાત, બનાવટી દસ્તાવેજો બનાવવા અને ધમકી આપવા બદલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

