ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કરી ઊઇ કોડ મોકલ્યો, ફ્લાઇટ અને હોટલ બુકિંગના નામે નાણાં પડાવ્યાં
Anand, તા.૬
Anand જિલ્લાના બોરસદ ખાતે રહેતા એક ફીઝીયોથેરાપીસ્ટ ડોક્ટર સાથે સાયબર ગઠીયાએ શ્રીલંકાના ટુર પેકેજના નામે રૂ.૧.૬૫ લાખની ઓનલાઈન છેતરપિંડી કર્યાની ફરિયાદ બોરસદ શહેર પોલીસમથકમાં નોંધાઈ છે.આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં ધરતીનગર સોસાયટી ખાતે વૈભવ ભઈલાલભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને ફીઝીયોથેરાપીસ્ટ તબીબનું કામ કરે છે.
જેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ ૬-૧૦-૨૦૨૬ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને આગામી દિવસોમાં શ્રીલંકા પ્રવાસ અર્થે દિવાળી વેકેશનમાં જવાનું હોઈ ટુર પેકેજ નક્કી કરવા માટે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્ક થયો હતો. જેમાં ધ ટ્રાવેલ ક્રાફ્ટના સંચાલક અભય રાઠોડ નામના શખ્સનો નંબર આપ્યો હતો. તેને ફોન કરીને શ્રીલંકા છ દિવસના પેકેજ બાબતે વાત કરતાં અભય રાઠોડે રૂ.૧.૬૫ લાખનું પેકેજ થશે તેમ જણાવ્યું હતું અને પેકેજ બુક કરાવવું હોય તો અત્યારે રૂ.૧.૬૫ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરશો તો જ પેકેજ કન્ફર્મ થઈ જશે તેમ જણાવ્યુ હતુ.
વૈભવ પટેલે અભય રાઠોડ ઉપર વિશ્વાસ રાખીને સાંજના અરસામાં અભય રાઠોડે મોકલી આપેલા ક્યુઆર કોડ ઉપર ગુગલ પે મારફતે રૂ.૧ લાખ અને ત્યારબાદ બે દિવસ પછી ૨૪મી તારીખે બીજા રૂ.૬૫ હજાર મોકલી આપ્યા હતા. જે અંગે ત્યારબાદ અભય રાઠોડે વોટ્સએપ ઉપર તેમને બિલ પણ મોકલી આપ્યું હતું જેથી અભય રાઠોડ સાથે વાત કરતા તારીખ ૧-૧૧-૨૦૨૬ સુધીમાં ફ્લાઈટ ટીકીટ, હોટલ બુકિંગ વિગેરેની વિગતો ફોનમાં મોકલી આપીશ તેવો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ અભય રાઠોડે કોઈ જ વિગતો મોકલી આપી ન હતી. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા વૈભવ ભઈલાલભાઈ પટેલે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન ઉપર ફરિયાદ કરી હતી જેના આધારે બોરસદ શહેર પોલીસે વૈભવ પટેલની ફરિયાદ લઇ અભય રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વર્તમાન સમયમાં ઓનલાઈન ફ્રોડ અને એડવાન્સ નાણાંની ચૂકવણીમાં વ્યાપક રીતે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને વિદેશ જવા માટે એજન્ટો દ્વારા જે રીતે ઠગાઈના કિસ્સાઓ પણ દિન પ્રતિદિન અખબારના પાને ચમકતા હોવા છતાં આવી ઘટનાઓ બનતી જ રહે છે. વળી સોશિયલ મીડિયા અને પરિચિતો મારફતે થયેલી ઓળખાણ દ્વારા પણ નાણાંકીય છેતરપિંડી કરવામાં આવતી હોય છે, ઉપરાંત ડિજિટલ લેવડદેવડમાં પણ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા અવારનવાર આ બાબતે જાગૃતિ અંગે માહિતી આપવામાં આવતી હોય છે તેમ છતાં સાયબર ગઠિયાઓ દ્વારા અવનવી તરકીબો થી પણ આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવતી હોઈ કોઈપણ નાણાકીય વ્યવહારમાં પૂરેપૂરી ચોકસાઈ અને ખાતરી કરવી જરૂરી હોવાનું આણંદ સાયબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું.

