Ahmedabad, તા. 7
રાજ્યસભામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના આંકડા અનુસાર, 1 જાન્યુઆરી 2021થી 30 જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં કુલ રૂ. 1,607.64 કરોડનાં ઈ-ચલણ ચૂકવવાના બાકી છે. આટલી મોટી રકમનો ટ્રાફિક દંડ વસૂલવાનો બાકી હોવાનાં મામલે ગુજરાત સમગ્ર દેશમાં 7મા સ્થાને આવે છે.
આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ 1.99 કરોડથી વધુ ઈ-ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યાં છે. દેશમાં સૌથી વધુ બાકી ઈ-ચલણની યાદીમાં ઉત્તર પ્રદેશ રૂ. 11,331 કરોડથી વધુની રકમ સાથે પ્રથમ ક્રમે છે.
ત્યારબાદ દિલ્હી (રૂ. 11,097.07 કરોડ), તામિલનાડુ (રૂ. 3,601.76 કરોડ), હરિયાણા (રૂ. 2,620.53 કરોડ), ઓડિશા (રૂ. 2,167.52 કરોડ) અને રાજસ્થાન (રૂ. 2,066.91 કરોડ)નો નંબર આવે છે.
ગુજરાતમાં ઈ-ચલણ સિસ્ટમનો ઉપયોગ છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ ઝડપથી વધ્યો છે. વર્ષ 2023માં 16 લાખ ચલણ ઈશ્યૂ થયા હતા, જે 2024માં વધીને 43.25 લાખ અને 2025માં બમણા થઈને 85.74 લાખ સુધી પહોંચી ગયા હતા. જ્યારે વર્ષ 2026ના પ્રથમ સાત મહિનામાં જ (30 જુલાઈ સુધી) ઓથોરિટી દ્વારા 51.52 લાખથી
વધુ ઈ-ચલણ જારી કરી દેવાયા છે. ઈ-ચલણ ઈશ્યૂ કરવાનાં મામલે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે છે.
વર્ષ 2026ના આંકડાનું વિશ્લેષણ કરીએ તો રાજ્યમાં દૈનિક ધોરણે સરેરાશ 24,500 ચલણ, કલાકનાં 1,020 ચલણ અને દર મિનિટે સરેરાશ 17 ચલણ કાપવામાં આવી રહ્યાં છે. આ આંકડા દર્શાવે છે કે સીસીટીવી કેમેરા અને ડિજિટલ સિસ્ટમ દ્વારા ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન પર કડક નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ ચલણ સ્ટોપ-લાઈન વાયોલેશન અને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ ઈશ્યૂ થાય છે.
ટ્રાફિક વિભાગ માટે સૌથી મોટો પડકાર આ દંડની રકમ વસૂલ કરવાનો છે. એક સિનિયર ટ્રાફિક અધિકારીનાં જણાવ્યા મુજબ, માત્ર 15 ટકા વાહનચાલકો જ સામેથી પોર્ટલ ચકાસીને દંડ ભરે છે, જ્યારે બાકીનાં મોટાભાગનાં લોકો કોર્ટની નોટિસ આવ્યાં પછી જ રકમ જમા કરાવે છે.
આ સિવાય, ઘણા વાહનોનાં આરટીઓ રજીસ્ટ્રેશનમાં જૂના સરનામાં હોવાથી અથવા માલિકો અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોવાથી નોટિસ સમયસર પહોંચતી નથી. ઘણાં વાહન માલિકોને તેમનાં વતન કે જૂના સરનામે પહોંચેલી નોટિસ અંગે ખૂબ મોડેથી ખબર પડે છે, જેના કારણે કરોડો રૂપિયાનો દંડ પેન્ડિંગ રહે છે.
આ પરિસ્થિતિને સુધારવા અને ઈ-ચલણ વસૂલાતની પ્રક્રિયા વધુ કડક બનાવવા માટે કેન્દ્ર સરકારે ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (થર્ડ એમેન્ડમેન્ટ) રૂલ્સ, 2026’ હેઠળ કાનૂની માળખું વધુ સખત બનાવ્યું છે.

