Ahmedabad, તા.7
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે.
પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાના નેતૃત્વમાં આ નવા સુધારા અંતર્ગત ભૌગોલિક અનુકૂળતાને ધ્યાને રાખીને બોટાદ જિલ્લા અને બામણબોર ઔદ્યોગિક વિસ્તારની GPCB પ્રાદેશિક કચેરીઓમાં મોટો સાનુકૂળ ફેરફાર કરવામાં આવ્યો છે. બામણબોર જી.આઈ.ડી.સી. તથા તેની આસપાસના વિસ્તારોને સુરેન્દ્રનગર કચેરીમાંથી મુક્ત કરી રાજકોટ પ્રાદેશિક કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર કચેરીનું અંતર 84 કિમી હતું, જે હવે રાજકોટ કચેરી હેઠળ આવવાથી ઘટીને માત્ર 29 કિમી એટલે કે 55 કિમીનો ઘટાડો થઈ જશે. આનાથી અધિકારીઓની સ્થળ મુલાકાત અને નિયમિત તપાસ પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
બામણબોર-રાજકોટ સળંગ ક્લસ્ટર હોવાથી એક જ કચેરી હેઠળ એકસમાન પર્યાવરણીય નિયમન શક્ય બનશે. કોઈપણ ઔદ્યોગિક દુર્ઘટના કે રાસાયણિક કટોકટીના સમયે રાજકોટની ટીમ મિનિટોમાં સ્થળ પર પહોંચી કામગીરી કરી શકશે.
હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક હોવાથી અતિ મહત્વના મહાનુભાવોની અવરજવર સમયે ક્ષેત્રીય હવા-ગુણવત્તા અને પર્યાવરણીય દેખરેખ વધુ અસરકારક બનશે. વધુમાં રાજકોટ પ્રાદેશિક કચેરી એ બોર્ડની ખૂબ જ જૂની અને સ્થાપિત કચેરી છે, જે ઘણા વર્ષોથી સફળતાપૂર્વક કાર્યરત છે.
આ કચેરી ખાતે પુરતો અને અનુભવી સ્ટાફ, વિશાળ મેનપાવર તથા ઉત્કૃષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી બામણબોર જીઆઈડીસી ખાતેના ઔદ્યોગિક એકમો પર વધુ સક્ષમ અને અસરકારક રીતે નિયમન કરી શકાશે.
રાજકોટ ખાતે બોર્ડની પોતાની સુસજ્જ પ્રયોગશાળા ઉપલબ્ધ હોવાથી, ઉદ્યોગોના સેમ્પલનું પૃથક્કરણ અત્યંત સરળતાથી અને ત્વરિત થઈ શકશે, જેના પરિણામે જરૂરી નિર્ણયો લેવામાં નોંધપાત્ર ઝડપ આવશે.
જ્યારે બોટાદ જિલ્લાની કામગીરી સુરેન્દ્રનગર પ્રાદેશિક કચેરી હેઠળ સમાવિષ્ટ અમદાવાદ (ગ્રામ્ય) કચેરી હેઠળ સાણંદ GIDC અને ધોલેરા SIRના ઝડપી વિકાસના કારણે વધતા વહીવટી કાર્યભારને હળવો કરવા અને બોટાદના ઉદ્યોગોને નજીકની સેવાઓ પૂરી પાડવા માટે આ નિર્ણય લેવાયો છે.

