Ahmedabad,તા.07
શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ અને રાત્રિના સમયે કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે `મિડનાઈટ એક્શન પ્લાન’ તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ શહેરના 49 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ઓળખાયેલા આશરે 150 હોટસ્પોટ પર દરરોજ મધરાતથી મોડી રાત સુધી સઘન નાકાબંધી અને વાહન ચેકિંગ હાથ ધરાશે.
ખાસ કરીને સિંધુભવન રોડ, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, સી.જી. રોડ, વસ્ત્રાપુર, સરખેજ, વેજલપુર અને નિકોલ સહિતના વિસ્તારોમાં પોલીસની વિશેષ નજર રહેશે. રાત્રિના સમયે લુખ્ખા તત્ત્વો, સ્ટંટ-રેસિંગ કરનારાઓ તથા કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મિડનાઈટ એક્શન પ્લાનની કામગીરી માત્ર મેદાની પોલીસ પૂરતી મર્યાદિત નહીં રહે. પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ઉઈઙ કક્ષાના અધિકારીઓ પણ ખાનગી વાહનોમાં ઓચિંતું ચેકિંગ કરીને પોલીસની કામગીરીની સમીક્ષા કરશે. દરેક પોલીસ સ્ટેશનમાંથી પાંચ પેટ્રોલિંગ વાહનો અને 25 જેટલા પોલીસ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાશે.
બીજી તરફ, ક્રાઈમ બ્રાન્ચે નિકોલ, અમરાઈવાડી અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં આશરે 200 પોલીસ કર્મચારીઓ સાથે મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું. ડ્રગ્સ પેડલર્સ, બુટલેગરો અને હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી દરમિયાન આશરે 25 ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર અભિયાનમાં નાર્કોટિક્સ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દારૂની મહેફિલો, ગેરકાયદે હથિયારોની હેરાફેરી તથા સ્ટંટ-રેસિંગ પર અંકુશ મેળવવા ઉપરાંત રાત્રિના સમયે સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી એ આ પ્લાનનો મુખ્ય હેતુ છે.

