Ahmedabad , તા.૫
પાલડી કોચરબ ગામમાં અને શીલજ ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોનાં મોત થયા છે. કોચરબ ગામમાં રહેતો યુવક તેની પરિચિત યુવતીને અન્ય યુવક સાથે ગાડીમાં જોઇ જતા રોકવા જતો હતો. ત્યારે તે ગાડી સાથે અથડાઇને પટકાતા મોત નિપજ્યું હતું. સવારે ટુવ્હીલર પર ઓફિસે જઇ રહેલી યુવતીને શીલજ ચાર રસ્તા પાસે ટ્રકે ટક્કર મારતા તેનું મોત થયું હતું. બંને ઘટનાને લઇને ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. મહીસાગરનો ૨૧ વર્ષીય રોમાંચ પરમાર એસવીપી હોસ્પિટલમાં ફાયર વિભાગમાં નોકરી કરતો હતો. ગત તા.૨ના રોજ તે કોચરબ ગામમાં સફલ વિદ્યાલય સામેથી પસાર થતો હતો. ત્યારે રોમાંચ ત્રણ દિવસથી જે યુવતી સાથે ભાડે રહેતો હતો, તે યુવતીને એક યુવક સાથે ગાડીમાં જોઇ ગયો હતો. રોમાંચ તેને પકડવા ગાડી પાસે જતો હતો ત્યારે જ ગાડી સાથે ભટકાઇને રોડ પર પટકાતા તેનું મોત થયું હતું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક રાહુલ ઠાકોર સામે ગુનો દાખલ કર્યો છે. અન્ય બનાવની વિગત એવી છે કે મૂળ ચેનપુરની ૨૩ વર્ષીય ઋષાલી સલારીયાની એકાદ વર્ષ પહેલા શેલામાં રહેતા યુવક સાથે સગાઇ થઇ હોવાથી તે ત્યાં રહેતી હતી. ઋષાલી ત્રણ માસથી સાયન્સ સિટીમાં આવેલી એક લેબોરેટરીમાં નોકરી કરતી હતી. ગત મંગળવારે ટુવ્હીલર લઇને નોકરીએ જવા નીકળી ત્યારે શીલજ ચાર રસ્તા ખાતે ટ્રક ચાલકે ટક્કર મારતા તે રોડ પર પટકાઇ હતી. ગંભીર ઇજાઓના કારણે તેને સારવાર માટે ખસેડ્યા બાદ ડોક્ટરે મૃત જાહેર કરી હતી.

