Surendranagar,તા.૭
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં પોલીસ કર્મીના રહેણાંક મકાનમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગના ગેરકાયદેસર ધંધાનો રાજકોટ રેન્જ આઈજીની ટીમે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે ૬ લોકોની ધરપકડ કરી હતી, જ્યારે આ મામલે ફરાર થયેલા એએસઆઇ સંજય રાઠોડ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈજી નીર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ટીમે રતનપરની રામેશ્વર ટાઉનશીપમાં દરોડો પાડ્યો હતો. અહીં ધજાળા પોલીસ મથકમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા સંજય નાથાભાઈ રાઠોડના મકાનમાંથી ડબ્બા ટ્રેડિંગની કામગીરી ઝડપાઈ હતી.
દરોડા દરમિયાન દિવ્યરાજસિંહ ચુડાસમા, વિપુલ સીધવ, અરુણ કોઠારી, દલસુખ સીંધવ, વિજય દેત્રોજા અને એએસઆઇ સંજય રાઠોડના પિતા નાથાભાઈ રાઠોડ સહિત ૬ લોકોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી ૧૦ લેપટોપ, ૨૯ મોબાઈલ ફોન, રોકડ રૂપિયા ૧૩,૯૦૦, ચાર્જર, વાઈફાઈ ડિવાઇસ, પેનડ્રાઈવ તેમજ સોદાની નોંધ ધરાવતી ૧૩ નોટબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઇ સંજય રાઠોડ, ૬ ઝડપાયેલા આરોપીઓ તેમજ ૧૬ બ્રોકર સહિત કુલ ૨૩ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. કેસની તપાસ જેતપુર પોલીસને સોંપવામાં આવી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા રાજકોટ રેન્જ આઈજી નીર્લિપ્ત રાયે એએસઆઇ સંજય રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ, ધરપકડથી બચવા માટે ફરાર થયેલા સંજય રાઠોડને ઝડપી લેવા જેતપુર પોલીસે શહેરમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. જોકે હજુ સુધી પોલીસને તેની ધરપકડ કરવામાં સફળતા મળી નથી.

