Mumbai,તા.10
બોલિવૂડમાં બનેલી યાદગાર ફિલ્મોની સિક્વલ બનાવવાની ફેશનમાં પીઢ ફિલ્મકાર શેખરકપૂર પણ તણાયા છે. તેમની આગામી ફિલ્મ માસુમ ટુમાં તેમની સાથે જુગલ હંસરાજ પણ કામ કરવાનો છે. શેખર કપૂરની ૧૯૮૩માં આવેલી ફિલ્મ માસૂમમાં જુગલ હંસરાજે નસીરની પહેલી પત્નીના પુત્ર રાહુલની ભૂમિકા ભજવી હતી. જુગલ હંસરાજની સાથે ઉર્મિલા માતોંડકરે પણ તેની બહેનની ભૂમિકામાં બાળકલાકાર તરીકે એક્ટિંગ કરી હતી.
શેખર કપૂરે જણાવ્યું હતું કે જ્યારે અમે માસુમ બનાવી ત્યારે જુગલ કિશોર હતો. આજે તે સુસજ્જ એક્ટર તરીકે અમારી સાથે ફરી કામ કરી રહ્યો છે તે ખૂબ સંતોષકારક બાબત છે. નસીર અને શબાના પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યા છે તેમના વિશે શેખર કપૂરે જણાવ્યું હતું કે કેટલાક સંબંધો સિનેમાને ઓળંગી જતાં હોય છે.
જુગલ હંસરાજે જણાવ્યું હતું કે આજે પણ હું માસુમ બોય છું. ન્યુયોર્કમાં આજે પણ લોકો મને ઉભો રાખી કહે છે, અમે અમારા સંતાનો અને પૌત્રોને લકડી કી કાઠી ગીત સંભળાવ્યું છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી, નિત્યા મેનન, વિવાન શાહ અને કાવેરી કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

