Mumbai,તા.10
તાજેતરમાં રિલીઝ થયેલી સ્પાઈડર મેનની લેટેસ્ટ ફિલ્મ ‘Spider-Man: Brand New Day’ દુનિયાભરમાં રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. કોમિક્સની દુનિયામાં ‘Friendly Neighborhood Spider-Man’ તરીકે ઓળખાતો આ હીરો સિનેમાના ઇતિહાસમાં કમાણીનું સૌથી મોટું મશીન બની ગયો છે. 2002માં ‘ટોબી મેગ્વાયર’થી શરૂ થયેલી આ સફર આજે ‘ટોમ હોલાન્ડ’ સુધી પહોંચી છે, જે દરમિયાન સ્પાઈડર મેનની 11 ફિલ્મોએ વિશ્વભરમાં કુલ $11 બિલિયનથી વધુ (આશરે ₹93,000 કરોડ)ની કમાણી કરી છે. આ સાથે સ્પાઈડર મેને ‘સ્ટાર વોર્સ’, ‘હેરી પોટર’, ‘જેમ્સ બોન્ડ’, ‘ફાસ્ટ એન્ડ ધ ફ્યુરિઅસ’ જેવી ફિલ્મ ફ્રેન્ચાઈઝીને પણ પાછળ ધકેલી દીધી છે.વર્ષ 2002માં સામ રાઇમી નિર્દેશિત ‘સ્પાઈડર મેન’ રિલીઝ થઈ હતી, જેણે દર્શકોને ઘેલા કર્યા અને વિશ્વભરમાં $821 મિલિયન કમાયા. ત્યારથી લઈને અત્યાર સુધીમાં 11 સ્પાઈડર મેન ફિલ્મો આવી ગઈ છે. સૌથી પહેલા ટોબી મેગ્વાયર, પછી એન્ડ્રુ ગારફિલ્ડ અને હવે ટોમ હોલાન્ડે આ પાત્રને નવી ઊંચાઈએ પહોંચાડ્યું છે.
આ સફરમાં સૌથી મોટી સફળતા 2021ની ‘સ્પાઈડર મેન: નો વે હોમ’ને મળી, જેણે $1.92 બિલિયન કમાઈને નવો ઈતિહાસ રચ્યો. એ ફિલ્મમાં ત્રણેય સ્પાઈડર મેનને એક સાથે સ્ક્રીન પર લાવવાનો નિર્ણય દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.સ્પાઈડર મેનની લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેની માનવીય લાગણીઓ છે. ‘પીટર પાર્કર’ કોઈ જાદુઈ કે અમર પાત્ર નથી; તે અભ્યાસ, પ્રેમ, ઘરની જવાબદારી અને પૈસાની તંગી સામે ઝઝૂમતો એક સામાન્ય છોકરો છે, જેને લીધે યુવાનો તેની સાથે સરળતાથી ‘કનેક્ટ’ થઈ જાય છે. આ ઉપરાંત સમય સાથે પાત્રમાં કરાયેલા ફેરફારો, જેવા કે કે ટોબી મેગ્વાયરનો ગંભીર અંદાજ, એન્ડ્રુ ગારફિલ્ડનો આધુનિક લુક, ટોમ હોલાન્ડનો યુવા મિજાજ અને સ્પાઈડર-વર્સનો એનિમેશન અવતાર, એ તમામ બાબતો દર્શકોને કાયમ જકડી રાખે છે. 2002માં જે બાળકોએ સ્પાઈડર મેનની પહેલી ફિલ્મ જોઈ હતી, તે આજે પોતાના બાળકો સાથે 2026ની ફિલ્મ જોઈ રહ્યાં છે. આ જ કનેક્શન સ્પાઈડર મેનને સિનેમાની સૌથી મોટી બ્રાન્ડ બનાવે છે.
2026માં આવેલી ‘સ્પાઈડર મેન: બ્રાન્ડ ન્યુ ડે’એ ઓપનિંગ વીકએન્ડમાં જ $932 મિલિયન કમાઈને વિશ્વનું બીજું સૌથી મોટું ઓપનિંગ મેળવ્યું. હાલમાં જ આ ફિલ્મે $1 બિલિયનનો આંકડો વટાવીને $1.25 બિલિયનથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ‘સ્પાઈડર મેન: નો વે હોમ’નો રેકોર્ડ તોડે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે.

