New Delhi, તા. 10
ભારતીય ટીમના અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે 2027ના વનડે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાની શક્યતાઓ અંગે વાત કરતાં ભવિષ્યની વધારે ચિંતા કરવાનો ઇનકાર કર્યો છે.
પોતાની વાપસી અને વર્લ્ડ કપની યોજનાઓ અંગે ભુવીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તે અગાઉથી કોઈ અંદાજ લગાવવાને બદલે હાલ માત્ર મેદાન પર ઉતરીને સારું પ્રદર્શન કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. જો પસંદગીકારો તરફથી બોલાવો આવશે તો તે ચોક્કસ રમશે, પરંતુ અત્યારથી આગળનું વિચારવાનો કોઈ અર્થ નથી.
બીજી તરફ, ભુવનેશ્વર કુમાર 14 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ઉત્તર પ્રદેશ T20 (UP T20) લીગની ચોથી સિઝનમાં લખનૌ ફાલ્ક્નસ ટીમની કપ્તાની કરતો જોવા મળશે. 24 દિવસ સુધી ચાલનારી આ લીગમાં કુલ 34 મેચો રમાશે, જેનું આયોજન પ્રથમ વખત લખનૌના એકાના સ્ટેડિયમ અને કાનપુરના ગ્રીન પાર્ક એમ બે શહેરોમાં કરવામાં આવી રહ્યું છે.
ભુવીએ આ લીગના વખાણ કરતા જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટ દર વર્ષે સુધરી રહી છે અને યુવા ખેલાડીઓ માટે IPL તથા ભારતીય ટીમમાં પહોંચવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહી છે.

