New Delhi, તા.10
સાઈ સુદર્શનની જગ્યાએ સરફરાઝ ખાનને શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બીસીસીઆઈએ રવિવારે આ માહિતી આપી હતી. તેમની 21 મહિના પછી ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.
સરફરાઝે છેલ્લી મેચ નવેમ્બર 2024માં વાનખેડેમાં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. મુંબઈનાં મધ્યક્રમના બેટ્સમેન સરફરાઝ ગોલમાં 15 ઓગસ્ટથી શરૂ થનારી પહેલી ટેસ્ટ પહેલાં ટીમ સાથે જોડાઈ જશે. સરફરાઝે છ ટેસ્ટ મેચમાં એક સદીની મદદથી 371 રન બનાવ્યા છે. તેમણે 2025-26 રણજીની નવ ઇનિંગ્સમાં 53.62ની સરેરાશથી 429 રન બનાવ્યા હતા.
ટોચના ક્રમના બેટ્સમેન સુદર્શન જમણા પગના અંગૂઠામાં ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. તેમને આ ઈજા ભારત ‘એ’ ટીમના શ્રીલંકા પ્રવાસ દરમિયાન થઈ હતી. ત્યારથી તેઓ બેંગલુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં ઈજામાંથી સાજા થવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છે. તેમને ટીમમાં રાખવામાં આવ્યા હતા પરંતુ તેઓ સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યાં નહીં.

