London, તા. 10
ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ઘરેલું `વન-ડે કપ’ ટુર્નામેેન્્ટમાં ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સતત જારી છે. નોર્થહેમ્પટનશાયર તરફથી રમતાં ચહલે સમરસેટ સામેનાં મુકાબલામાં પોતાનાં 10 ઓવરના સ્પેલમાં માત્ર 35 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી.
ચહલની આ કરકસરયુક્ત અને ધારદાર સ્પિન બોલિંગના જોરે નોર્થહેમ્પટનશાયરે સમરસેટની ટીમને 47 ઓવરમાં 185 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને બાદમાં આ લક્ષ્યાંક આસાનીથી હાસિલ કરી 7 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં ચહલ વિદેશી ખેલાડીઓમાંથી સૌથી સફળ બોલર તરીકે ઉભરી આવ્યો છે. તેણે અત્યાર સુધી રમેલી 7 મેચોમાં 21.00 ની શાનદાર એવરેજથી કુલ 15 વિકેટો લીધી છે.
તેણે પોતાની ફિરકીના જાદુથી વિરોધી ટીમોના બેટ્સમેનોને સતત દબાણમાં રાખ્યાં છે. સમરસેટ સામેની મેચમાં તેણે રોબ કેઓઘ (4 વિકેટ) સાથે મળીને સમરસેટના મધ્ય અને નીચલા ક્રમના બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
ચહલનું આ શાનદાર ફોર્મ ભારતીય ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારોનું ધ્યાન ખેંચી શકે તેમ છે. જોકે હાલમાં ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા સ્પિનરોનું વર્ચસ્વ છે, પરંતુ વન-ડે ફોર્મેટમાં ચહલનો વિશાળ અનુભવ અને વિકેટ લેવાની ક્ષમતા તેને હંમેશાં એક મજબૂત વિકલ્પ બનાવે છે.

