New York તા.11
અમેરિકાથી ગૌતમ અદાણીને મોટી રાહત મળી છે. સોમવારે અમેરિકી જજે ભારતીય અબજોપતિ અને એશિયાના સૌથી અમીર વ્યકિત ગૌતમ અદાણી વિરૂધ્ધ આપરાધિક કેસો ફગાવી દીધા છે. આ પગલું જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા છેતરપિંડી અને લાંચના કેસ પાછા લેવાયા બાદ ઉઠાવાયું છે.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકન કોર્ટમાં ચાલતા ગુનાહિત આરોપોને કોર્ટે ફગાવી દીધા છે. ન્યૂયોર્કના ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગારૌફિસે ફેડરલ પ્રોસિક્યુટર્સને આરોપો પાછા ખેંચવાની મંજૂરી આપતા આ કેસ બંધ કરવાનો ચુકાદો આપ્યો છે.
કોર્ટના નિર્ણય પહેલાં, જજે કાયદાકીય બાબતો અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને સરકારી વકીલો (પ્રોસિક્યુટર્સ) પાસે કેસ પાછો ખેંચવાનું કારણ માંગ્યું હતું. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ)ના ખુલાસાથી સંતોષ માનીને જજે સ્પષ્ટ કર્યું કે આરોપો રદ કરવાનો આ નિર્ણય સંપૂર્ણપણે કાયદાના દાયરામાં અને ન્યાયના સિદ્ધાંતો મુજબ જ લેવાયો છે.
DoJએ પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે અદાણી ગ્રુપ સામેનો આ કેસ કાયદાકીય રીતે નબળો હતો અને અમેરિકાના અધિકારક્ષેત્રની બહારનો હોવાથી, તે ક્યારેય દાખલ જ નહોતો થવો જોઈતો.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે (DoJ) કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘આ કેસ પૂરેપૂરો ભારત સાથે જ સંકળાયેલો હતો. તેમાં ભારતીય અધિકારીઓ, ભારતીય કંપનીઓ અને ભારતમાં વીજળી પૂરી પાડવાના કરારો જ મુખ્ય બાબત હતા.
અમેરિકાએ ‘વિશ્વના પોલીસ’ બનીને અન્ય દેશોના મામલામાં પડવું ન જોઈએ, કારણ કે તેનાથી રાજદ્વારી સંબંધો વણસે છે અને સમય તથા સંસાધનોનો ખોટો બગાડ થાય છે. ભારત પોતાની આંતરિક બાબતો અને કાયદાકીય વ્યવસ્થાને અમેરિકન પ્રોસિક્યુટર્સ કરતાં વધુ સારી રીતે સંભાળી શકે છે. આથી જ અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા સિક્યોરિટીઝ ફ્રોડના આરોપોનો કોઈ નક્કર કાયદાકીય આધાર નહોતો.’

