મહમદશા પીરની દરગાહ પાસેની ઘટનામાં માથામાં ગંભીર ઇજા થતાં યુવક આઈ.સી.યુ.માં દાખલ
(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨
જામનગરના જોડીયા ભુગા વિસ્તારમાં રહેતા અજીજભાઈ હારુનભાઈ છરેચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પુત્ર નવાઝ (ઉ.વ.૩૦)ને આઝાદ અસગર ખત્રી પાસેથી રૂપિયા લેવાના હતા. તા.૧૦ ઓગસ્ટે નવાઝ મહમદશા પીરની દરગાહ, ઢીચડા રોડ ખાતે ગયો હતો ત્યારે આઝાદ ખત્રી તથા સાહીલ સબીર સીદી ત્યાં આવ્યા હતા. નવાઝે પોતાના રૂપિયા માંગતા આઝાદે તેને ગાળો આપી જમીન પર પડેલી ઝાડની જાડી ડાળથી માથામાં માર માર્યો હતો. નવાઝ નીચે પડી જતાં તેના માથા તથા મોઢા પર પણ ડાળના ઘા માર્યા હતા, જ્યારે સાહીલે તેના પેટમાં લાત મારી હતી.
મારામારી દરમિયાન લોકો એકત્ર થતાં નવાઝને છોડાવ્યો હતો અને કોઈએ ૧૦૮ને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તેના પિતા અજીજભાઈ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવાઝને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર દરમિયાન માથામાં છથી આઠ ટાંકા આવ્યા હોવાનું તથા માથામાં હેમરેજ અને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ નવાઝ આઈ.સી.યુ. વિભાગમાં સારવાર હેઠળ હોવાનું જણાવાયું છે.
આ બનાવ અંગે અજીજભાઈની ફરિયાદના આધારે આઝાદ અસગર ખત્રી અને સાહીલ સબીર સીદી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮(૨), ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં બનાવનું કારણ નવાઝે આઝાદ ખત્રીને આપેલા રૂપિયા પરત માંગતા થયેલો ઝઘડો હોવાનું જણાવાયું છે.

