New Delhi, તા. 14
ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં (A-320 NEO) આકાશમાં અચાનક અનુભવાયેલા ભયાનક ટર્બ્યુલન્સ અંગે મોટો ખુલાસો થયો છે. એરબસની બ્લેક બોક્સ તપાસની પ્રાથમિક વિગતો અનુસાર, ઉડાન દરમિયાન માત્ર 4 સેકન્ડ માટે પ્લેનના તમામ કંટ્રોલ સરફેસે કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું
વિમાનની ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ્સમાં એકસાથે ખામી સર્જાતા ઓટો-પાયલટ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી અને પ્લેન 250 ફુટ જેટલું નીચે આવી ગયું હતું, જેના કારણે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ હવામાં ઉછળ્યા હતા અને ઈજાગ્રસ્ત થયા હતા.
હાઇડ્રોલિક પાવર ગુમાવવાના કારણે કો-પાયલટના સાઇડ-સ્ટિક ઇનપુટની પણ વિમાન પર કોઈ અસર થઈ નહોતી. કોકપિટમાં `સ્ટોલ’ (વિંગ્સ દ્વારા પૂરતી લિફ્ટ ના મળવી) ની ચેતવણી મળતા પાયલોટે પ્લેનને નિયંત્રિત કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સિસ્ટમ રિસ્પોન્સ ન આપતી હોવાથી સિસ્ટમ પુનઃસ્થાપિત થતાં જ પ્લેનનું આગળનું પાંખિયું ઝડપથી નીચે તરફ ઝૂકી ગયું હતું. એરબસના ફ્રાન્સ સ્થિત ટેકનિકલ સેન્ટર દ્વારા ડેટા એનાલિસિસ કરતા સામે આવ્યું છે કે પ્રેશર સેન્સરમાં ખામીના કારણે આ ઈમરજન્સી સર્જાઈ હોઈ શકે છે.
બીજી તરફ, ફ્લાઇટના કેપ્ટન સુદીપ વશિષ્ઠનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવતાં તેમનાં સેમ્પલમાં ગાંજો મળી આવ્યો હતો, જેનાં કારણે એર ઇન્ડિયાએ પોતાનાં તમામ પાયલોટોના ડોપ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે.
જોકે, તપાસકર્તાઓનું માનવું છે કે ટર્બ્યુલન્સની આ ઘટના પાછળ પાયલોટના વર્તન કરતાં પણ ગંભીર ટેકનિકલ ખામી મુખ્ય જવાબદાર હતી. હાલમાં ફ્રાન્સની એવિએશન તપાસ એજન્સી અને એરબસના નિષ્ણાતો નવી દિલ્હી પહોંચીને ભારતની AAIB સાથે મળીને આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યાં છે.

