New Delhi તા.14
સંસદમાં ગતિરોધ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ચર્ચા કરવાના સરકારના પ્રસ્તાવને સ્વીકારવાનો વિપક્ષ દ્વારા ઇનકાર કરવા બદલ ભાજપ સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે.
બુધવારે કંગનાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી સતત દેશની મજાક ઉડાવે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં, કોંગે્રસ પાર્ટી “સેંકડો ચૂંટણીઓ હારી ગઈ છે” અને “તેમના કોઈ સ્થાન બાકી નથી!”
અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌતે લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીની ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમને ભવિષ્યમાં આ ભૂમિકા ઓફર કરવામાં આવશે નહીં અને આ તેમનો છેલ્લો કાર્યકાળ હશે.
તેમણે રાહુલ ગાંધી પર સંસદ અને દેશની મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદન માંગે છે અને પછી કહે છે, “અમે તેમનું સાંભળશું નહીં.”
એક તરફ, તેઓ કહે છે, ‘અમે અમિત શાહજી પાસેથી જવાબ માંગીએ છીએ, પૂછવા માટે કે તેમણે વિદ્યાર્થીઓ સાથે આવું કર્યું કે નહીં’ અને તે જ સમયે તેઓ એમ પણ કહે છે, ‘અમે તેમને સાંભળવા માટે અહીં નથી.’
ભાજપના સાંસદે વધુમાં કહ્યું, “આખી દુનિયા જોઈ રહી છે અને વિચારી રહી છે કે તે કેવા પ્રકારનો વ્યક્તિ છે. જે રીતે તે પોતાની હતાશા વ્યક્ત કરી રહ્યો છે, સંસદનું અને આમ સમગ્ર દેશ અને તેના નાગરિકોનું અપમાન કરી રહ્યો છે, અને વિપક્ષના નેતા તરીકેની તેમની ભૂમિકા, મને ખાતરી છે કે આ તેમનો છેલ્લો કાર્યકાળ હશે.”

