New Delhi તા.19
સરકારી કોન્ટ્રાકટ મેળવવા એમએસએમઈ અને નાના કારોબારીઓને મોટી રાહત મળી શકે છે. કેન્દ્ર સરકારી કોન્ટ્રાકટમાં પર્ફોર્મન્સ બેંકની અનિવાર્યતા ખતમ કરવા પર વિચાર કરી રહ્યું છે, તેના બદલામાં સરકાર પોતાની હાલ મોજૂદ ક્રેડીટ ગેરેંટી યોજનાઓનો ઉપયોગ શરૂ કરી શકે છે તેનો સીધો ફાયદો એ થશે કે નાના કારોબારીઓને કોન્ટ્રાકટ મળ્યા બાદ પોતાની રકમનો એક ભાગ બેંક ગેરંટી તરીકે રોકીને નહી રાખવો પડે. જો આ પ્રસ્તાવ લાગુ થાય છે તો એમએસએમઈના એ પૈસા બચી શકશે, જે હાલ બેંક ગેરંટી માટે ફસાયેલા રહે છે. આથી કારોબાર ચલાવવા અને વધારવા માટે વધુ પૈસા ઉપલબ્ધ થશે.
આ મામલા સાથે સંકળાયેલા બે અધિકૃત સૂત્રોએ કહ્યું હતું કે એમએસએમઈ મંત્રાલય આ પ્રસ્તાવ પર ઉદ્યોગ તેમજ આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ સાથે ચર્ચા થઈ રહી છે.
એમએસએમઈ સેકટર લાંબા સમયથી માંગ કરી રહ્યું છે કે સરકારી કોન્ટ્રાકટમાં પર્ફોર્મન્સ બેંક ગેરંટીની જરૂરીયાત ઓછી કરવામાં આવે કે પછી તેને ખતમ કરવામાં આવે. આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર. ગાંધીનું કહેવું છે કે બેંક ગેરંટીના કારણે નાના કારોબારીઓએ પોતાની કાર્યશીલ મૂડીનો મોટો ભાગ અલગ રાખવો પડે છે. આથી તેની પાસે કારોબાર વધારવા માટે પૈસા ઓછા બચે છે. આ સ્થિતિ એ કારોબારીઓ માટે મૂડી સીમિત છે. જો પર્ફોર્મન્સ બેંક ગેરંટીની જરૂરીયાત ખતમ થઈ જાય. તો એમએસએમઈની રોકડ સ્થિતિ બહેતર થશે. ખર્ચ ઓછો થશે અને કારોબારના વિસ્તાર માટે વધુ પૈસા ઉપલબ્ધ થશે.
શા માટે મહત્વનો છે આ ફેસલો
એમએસએમઈ દેશની અર્થ વ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દેશના 7.4 કરોડથી વધુ એમએસએમઈને રાહત મળવાની આશા છે. સરકારની આ પ્રપોઝલથી તેમને પોતાની મૂડી વધુ બહેતર રીતે ઉપયોગ કરવામાં મદદ મળી શકે છે. વર્ષ 2025-26 કેન્દ્ર સરકારની લગભગ 2.30 લાખ કરોડ રૂપિયાના સામાનની ખરીદીમાં એસએસએમઈની ભાગીદારી લગભગ 50 ટકા રહી. આ સ્થિતિમાં જો બેંક ગેરંટીનો બોજ ઓછો થાય છે તો મોટી સંખ્યામાં નાના કારોબારીઓને ફાયદો થઈ શકે છે.
શું છે પર્ફોર્મન્સ બેંક ગેરંટી જે હાલ બોજ છે
માની લો કે કોઈ નાના કારોબારીને સરકાર પાસેથી 10 કરોડનો કોન્ટ્રાકટ મળ્યો પણ સરકાર એ નિશ્ર્ચિત કરવા માગે છે કે કારોબારી નિશ્ર્ચિત સમયે અને નિશ્ર્ચિત ગુણવતા સાથે કામ પુરૂ કરે. તેના માટે કારોબારી પાસે બેંક ગેરંટી માગવામાં આવે છે એટલે કે પર્ફોર્મન્સ બેંક ગેરંટીમાં કંપનીનો કોન્ટ્રાકટ પૂરો ન થવા પર બેંકે સરકાર કે સંબંધિત એજન્સીને પેમેન્ટ કરવું પડે છે, બેંક આ ગેરંટીના બદલામાં અનેકવાર વેપારી પાસેથી જામીન કે ફિકસ ડિપોઝીટ જેવી સુરક્ષા માગે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે એમએસએમઈ પાસે મોટી કંપનીઓની તુલનામાં મૂડી ઓછી હોય છે. તેમના માટે બેંક ગેરંટીનો વધારાનો બોજ વધુ મુશ્કેલી પેદા કરે છે.
હાલ કેટલી બેંક ગેરંટી આપવી પડે છે
હાલના નિયમો અંતર્ગત 10 લાખ રૂપિયાથી વધુનો સરકારી કોન્ટ્રાકટ લેનાર એમએસએમઈ અને નાના કારોબારીઓને અનેક મામલામાં પર્ફોર્મન્સ બેંક ગેરંટી આપવાની હોય છે. આ સામાન્ય રીતે પ્રોજેકટની કુલ રકમના 3થી 10 ટકા સુધી હોઈ શકે છે. માની લો કે કોઈ એમએસએમઈને 10 કરોડ રૂપિયાનો સરકારી કોન્ટ્રાકટ મળ્યો છે. જો તેને 5 ટકાની પર્ફોર્મન્સ ગેરંટી આપવાની છે તો તેણે 50 લાખ રૂપિયાની બેંક ગેરંટી આપવી પડશે. કારોબારી આ રકમનો ખર્ચ નહી કરી શકે, જેથી તેની વર્કીંગ કેપીટલ ઘટી જાય છે.

