રાત્રીના આંટાફેરા કરી માસ્ટર કી વડે અનલોક કરી વાહન ઉપાડી જતા: 20 દિવસમાં ચાર ચોરીની કબુલાત
Rajkot,તા.25
શહેરમાં મોજશોખ માટે ચોરીના રવાડે ચડેલા ત્રણ છાત્રો સહિત પાંચ શખસોની ટોળકીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી હતી. 20 દિવસ દરમિયાન ચાર એકટીવાની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે વાહન કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરમાં મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્વારા આપવામાં અવરલી સૂચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ એ.એસ. ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઈ સબાડ, મોહિરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજાને મળેલી હકીકતના આધારે વાહન ચોર ટોળકીને ઝડપી લીધી હતી.
ઝડપાયેલ આ શખસોમાં વિશાલ ભુપતભાઈ આટકોટિયા (ઉ.વ. 21 રહે. વાલકેશ્વર સોસાયટી શેરી નંબર 6, હસનવાડી મેઇન રોડ) અને હેત નિમેશભાઈ પિત્રોડા (ઉ.વ.૧૯ રહે. વૃંદાવન સોસાયટી શેરી નંબર 4, અંકુર નગર મેઇન રોડ) જ્યારે અન્ય ત્રણ આરોપી ધોરણ 11 ના છાત્ર અને સગીરવયના હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, આ ટોળકીએ તાલુકા અને માલવીયાનગર પોલીસ સ્ટેશનની હદ હેઠળના વિસ્તારમાં વાહન ચોરી કર્યા હતા. પોલીસે રૂપિયા 86 હજારની કિંમતના ચાર એકટીવા કબજે કર્યા છે. આ ટોળકી રાતના સમયે આંટાફેરા કરતી અને માસ્ટર કીની મદદથી જે પણ એકટિવા અનલોક થાય તેને ઉપાડી લેતી હતી. હરવા ફરવા અને મોજશોખ માટે વાહન ચોરી કરતા હતા. ટોળકીએ ચોરી કરેલા વાહનો વેચવા માટેની કોશિશ કરી છે કે, કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

