Rajkot,તા.૨૫
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં લાભાર્થીની પસંદગી અને ફ્લેટ ફાળવણી પ્રક્રિયાને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. એક જ અરજદારના નામે અલગ-અલગ આવાસ યોજનામાં બે સરકારી ફ્લેટ નોંધાયા હોવાનો આક્ષેપ સામે આવ્યો છે.
મળતી વિગતો મુજબ હાર્દિક જોશીના નામે બે અલગ આવાસ યોજનામાં ફ્લેટ ફાળવાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો આ વિગતો દસ્તાવેજી તપાસમાં સાચી સાબિત થાય, તો અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિને ફરીથી લાભ કેવી રીતે મળ્યો તે મુદ્દો મહત્વનો બની શકે છે.
આક્ષેપ મુજબ વર્ષ ૨૦૨૩માં માવડી વિસ્તારમાં આવેલી કૃષ્ણ ટાઉનશીપ આવાસ યોજનામાં હાર્દિક જોશીને ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૨૫માં જીજાબાઈ ટાઉનશીપ આવાસ યોજનામાં પણ તેમના નામે ફ્લેટ ફાળવણી થયાનો દાવો સામે આવ્યો છે.
એક જ લાભાર્થીને બે અલગ સરકારી આવાસ યોજનામાં લાભ મળ્યો હોય તો નિયમો મુજબ તેની પાત્રતા અને અગાઉ મેળવેલા લાભની ચકાસણી થઈ હતી કે નહીં, તે અંગે હવે પ્રશ્નો ઉભા થયા છે.
સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે જીજાબાઈ ટાઉનશીપમાં થયેલી કથિત ફાળવણી ‘સ્પેશિયલ કેસ’ હેઠળ કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે.જો અરજદારનું નામ અગાઉની આવાસ યોજનામાં નોંધાયેલું હતું, તો બીજી યોજનામાં તેની પાત્રતા કેવી રીતે નક્કી કરવામાં આવી? અગાઉ સરકારી આવાસનો લાભ લીધાની વિગતો ચકાસવામાં આવી હતી કે નહીં? આ તમામ બાબતોની તપાસ જરૂરી બની છે.
આ મામલે વધુ એક સવાલ વેટિંગ લિસ્ટ અને ફાઈનલ ફાળવણીને લઈને છે. જો લાભાર્થીનું નામ શરૂઆતમાં વેટિંગમાં હતું, તો બાદમાં તે ફાઈનલ યાદીમાં કયા આધારે આવ્યું?
ફાળવણી પ્રક્રિયામાં કયા અધિકારી અથવા સમિતિએ મંજૂરી આપી, કયા દસ્તાવેજોના આધારે પાત્રતા નક્કી કરવામાં આવી અને ‘સ્પેશિયલ કેસ’ તરીકે નિર્ણય લેવાનું કારણ શું હતું—તેની સ્પષ્ટતા જરૂરી છે.

