(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
Jamnagar જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલી જુગાર વિરોધી ડ્રાઇવ દરમિયાન જોડિયા અને લાલપુર પોલીસે અલગ-અલગ સ્થળે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૧ શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે ત્રણ શખ્સો પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા. બંને દરોડામાં પોલીસે કુલ રૂ.૭૮,૯૪૦ની રોકડ રકમ તથા ગંજીપત્તા કબજે કરી જુગારધારા કલમ-૧૨ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.
જોડિયા તાલુકાના કુન્નડ ગામની પાદર પાસે ખરાબામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જોડિયા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અશ્વીનભાઈ રામજીભાઈ ભીમાણી, માધવજીભાઈ ચકુભાઈ કાલાવડીયા, જયસુખભાઈ ત્રીકુભાઈ ભીમાણી, હિતેન્દ્રભાઈ મગનભાઈ ભીમાણી, અશોકભાઈ ધનજીભાઈ ભીમાણી, કાંતીલાલ ઉર્ફે ચીનકાભાઈ માવજીભાઈ ભીમાણી, હરીલાલ ભીમજીભાઈ કાલાવડીયા અને જયસુખભાઈ કેશવજીભાઈ ભીમાણી સહિત આઠ શખ્સોને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રૂ.૨૭,૦૩૦ની રોકડ અને ગંજીપત્તા કબજે કરાયા હતા. હરીલાલ ભીમજીભાઈ કાલાવડીયા સિનિયર સિટિઝન તથા જયસુખભાઈ કેશવજીભાઈ ભીમાણી દિવ્યાંગ હોવાથી તેમની અટકાયત કરવાને બદલે નોટિસ આપવામાં આવી હતી.
બીજી તરફ લાલપુર તાલુકાના વડ પાંચસરા ગામની મેઘરવો સીમમાં સોનીની વાડી પાસે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે પરબતભાઈ હમીરભાઈ ચાવડા, લખમણભાઈ ભવાનભાઈ પરમાર અને સંજયભાઈ ચુનીભાઈ દોઢિયાને ઝડપી લીધા હતા. તેમની પાસેથી તેમજ જુગારના સ્થળેથી મળી કુલ રૂ.૫૧,૯૧૦ની રોકડ અને ગંજીપત્તા કબજે કરવામાં આવ્યા હતા. પોલીસને જોઈને રામભાઈ રણમલભાઈ મોઢવાડિયા, અશ્વિનભાઈ રમણીકભાઈ નંદા અને લાખુભા જાડેજા નાસી છૂટ્યા હતા.જોડિયા અને લાલપુર પોલીસે બંને બનાવમાં કુલ ૧૪ શખ્સો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

