(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૬
Jamnagar શહેરમાં બનતા વાહન ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલા ની સૂચના મુજબ જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારગઢ સર્કલ ખાતે વાહન ચકાસણી કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ ધુડાભાઈ મોરી, વિપુલભાઈ જગદીશભાઈ સોનગરા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ડોડીયાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે બે ઇસમો નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ મોટરસાયકલ લઈને સુભાષ શાક માર્કેટ તરફથી દરબારગઢ સર્કલ તરફ આવી રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે કાળા રંગનું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અટકાવી તેની તપાસ કરી હતી. મોટરસાયકલના ચેસીસ નંબર અને એન્જિન નંબરની ચકાસણી કરતાં તે વાહન ચોરીના ગુનાનું હોવાનું બહાર આવ્યું હતું.
આથી પોલીસે તોફીક દાઉદભાઈ જખરા, ઉંમર વર્ષ ૧૯, રહે. રંગમતી સોસાયટી, નથુપીરની દરગાહ પાસે, જામનગર તથા રેહાન હારૂનભાઈ બ્લોચ, ઉંમર વર્ષ ૧૯, રહે. રબાની પાર્ક, શેરી નંબર ૭, જામનગરને ઝડપી પાડ્યા હતા.
પોલીસે રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૦-સીસી-૧૧૮૫ ધરાવતું હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ કબજે કરી તેની કિંમત રૂ. ૨૦,૦૦૦ આંકી હતી.આ અંગે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૩(૨) તથા ૫૪ હેઠળ નોંધાયેલા વાહન ચોરીના વણશોધાયેલા ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવામાં આવ્યો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ભરતસિંહ પરમારે બંને આરોપીઓની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

