શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
શ્રાવણ સુદ પુનમ ને શુક્રવાર તા ૨૮ ઓગસ્ટ ના દિવસે રક્ષાબંધન છે આ વર્ષે રક્ષાબંધન ના દિવસે ભદ્રા દોષ ન હોવાના લીધે આખો દિવસ-રાત્રી રાખડી બાંધવા માટે શુભ અને ઉત્તમ રહેશે ખાસ કરી ને રક્ષાબંધનમાં રાખડી બાંધવામાં ભદ્રા દોષ હોવો જોઈએ નહીં પરંતુ આ વખતે ગુરુવારે રાત્રિ ના ૯.૩૩ કલાકે ભદ્રા પૂર્ણ થઈ જાય છે આથી શુક્રવારે ભદ્રા નથી તે ઉપરાંત શુક્રવારે સવારે પૂનમ તિથિ ૯.૪૯ સુધી છે પરંતુ પંચાંગ ના નિયમ પ્રમાણે ઉદિયાત તિથિ શુક્રવારે છ ઘડી થી વધારે હોય તો નિયમ પ્રમાણે આખો દિવસ તિથિ માન્ય ગણાય છે આથી શુક્રવારે આખો દિવસ રાખડી બાંધવી શુભ રહેશે રક્ષાબંધન ના દિવસે ચંદ્રગ્રહણ છે પરંતુ ભારતમાં દેખાવાનું નથી આથી ધાર્મિક દ્રષ્ટિએ પાળવાનું નથી આ દિવસે બધા શુભ ધાર્મિક કાર્યો થઈ શકશે
રક્ષાબંધનની વિધિ રક્ષાબંધનના દિવસે બહેનોએ શુભ સમયે એક થાળીમાં વસ્ત્ર પાથરી કંકુ-ચંદન, ચોખા, મીઠાઇ રાખવી. ત્યારબાદ સૌપ્રથમ ગણપતિદાદાને દિવો કરી કંકુથી ચાંદલો ચોખા કરવા તથા શ્રીકૃષ્ણ ભગવાનને ચંદનનો ચાંદલો, ચોખા કરવા ભગવાનને રાખડી પહેરાવી પોતાની રક્ષા માટેની પ્રાર્થના કરવી. ત્યારબાદ ભગવાનને મીઠાઈ અર્પણ કરવી. ત્યારબાદ પોતાના ભાઈને ચાંદલો ચોખા કરી જમણા હાથે રાખડી બાંધી મીઠુ મોઢુ કરાવી દુખણા લેવા.
રક્ષાબંધનની પૌરાણિક કથા
(૧) માતા લક્ષ્મી અને રાજા બલિ
વામન અવતારમાં વિષ્ણુએ બલિ પાસેથી ૩ પગલામાં ત્રિલોક લઇ લીધું અને બલિને પાતાળનો રાજા બનાવ્યો, પણ બલિની ભક્તિથી પ્રસન્ન થઇને વિષ્ણુએ તેની સાથે રહેવાનું વચન આપ્યું. લક્ષ્મીજી વિષ્ણુ વગર વૈકુંઠમાં એકલા પડી ગયા.
ત્યારે એક પૌરાણિક વાયકા એટલે કે કથા પ્રમાણે લક્ષ્મીજી ગરીબ સ્ત્રીનો વેશ લઈને બલિ પાસે ગયા અને શ્રાવણ પૂનમે બલિ ને રાખડી બાંધીને ભાઈ બનાવ્યા. ભેટમાં તેમણે વિષ્ણુને પાછા વૈકુંઠ લઈ જવાની માંગણી કરી. બલિએ વચન પાળ્યું.
(૨) ઇન્દ્રાણી શચી અને ઇન્દ્ર – સૌથી જૂની કથા પ્રમાણે
ભવિષ્ય પુરાણ અનુસાર, દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે ઇન્દ્ર હારી રહ્યા હતા. ત્યારે ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણીએ ઋષિઓ પાસેથી મંત્ર ભણીને એક રક્ષાસૂત્ર તૈયાર કર્યું અને શ્રાવણ પૂનમના દિવસે ઇન્દ્રના કાંડા પર બાંધ્યું. એ રક્ષાના પ્રભાવથી ઇન્દ્ર યુદ્ધ જીતી ગયા. ત્યારથી રાખડીને રક્ષાસૂત્ર કહેવાય છે.
(૩) દ્રૌપદી અને શ્રીકૃષ્ણ
એક વખત કૃષ્ણની આંગળી સુદર્શન ચક્રથી કપાઈ ગઈ ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તરત જ કૃષ્ણની આંગળી પર બાંધી દીધી. આ દિવસ પણ શ્રાવણ મહિનો હતો.આ બંધનના બદલામાં કૃષ્ણએ વસ્ત્રહરણ સમયે દ્રૌપદીની લાજ રાખી હતી. આ ભાઈ-બહેનના પ્રેમનું સૌથી મોટું ઉદાહરણ છે.
(૪) એક પૌરાણીક કથા અનુસાર કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી હતી. આ રાખડી અભિમન્યુ ને અમર કરી ગઈ હતી આ દિવસે સાગર ખેડુ, માછીમારો દરીયામાં શ્રીફળ પધરાવીને દરિયાનું પુજન કરે છે.ઘણી જગ્યાએ ગુરુવારે ભૂદેવ એ જનોઈ બદલાવી હતી અને ઘણી જગ્યાએ શુક્રવારે બદલાવશે
દિવસના શુભ ચોઘડિયાઃસવારે ચલ ૬.૨૯ થી ૮.૦૪,સવારે લાભ ૮.૦૪ થી ૯.૩૭,સવારે અમૃત ૯.૩૭ થી ૧૧.૧૩,બપોરે શુભ ૧૨.૪૭ થી ૨.૨૩,સાંજે ચલ ૫.૩૨ થી ૭.૦૬,રાત્રીના શુભ ચોઘડિયાઃરાત્રે લાભ ૯.૫૭ થી ૧૧.૨૩,અભિજીત મુહૂર્ત (બપોરે)૧૨.૨૩ થી ૧.૧૩

