મેઘાણીનગરમાં ભાર્ગવ રોડ પર શિવનારાયણ સોસાયટી પાસે હિંસક ઝઘડો – મહિલાની સોનાનો ચેઇન પણ તૂટી ગઈ
Ahmedabad, તા.૩૧
મેઘાણીનગર વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર ભરવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ લોહિયાળ હુમલો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. ભાર્ગવ રોડ પર આવેલી શિવનારાયણ સોસાયટી પાસે અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે શખ્સોએ રિક્ષાચાલક યુવક અને તેને બચાવવા વચ્ચે પડેલી તેની માતા પર લોખંડની પાઇપ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં માતા-પુત્ર બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે હુમલાખોરોએ રિક્ષાની તોડફોડ કરી રૂ. ૫,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું.
મેઘાણીનગર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર આવેલી ડિફેન્સ કોલોનીમાં રહેતા અને ઘરકામ કરતા ગીતાદેવી રાજેશભાઈ રાજપૂત (ઉ.વ. ૪૦)નો ૨૨ વર્ષીય દીકરો રવિ ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે રાત્રે સાડા આઠ વાગ્યાના સુમારે રવિ પોતાની ઓટો રિક્ષા લઈને રામેશ્વર ચાર રસ્તા ખાતે ઊભો હતો. આ સમયે ત્યાં પોતાની રિક્ષા લઈને ઉભેલા સુરજ ઉર્ફે ભૂરો કપ્તાનસિંહ સિકરવાર અને તેના મિત્ર નીતિન સાથે રવિને પેસેન્જર બેસાડવાની બાબતમાં બોલાચાલી થઈ હતી. આ તકરાર દરમિયાન સુરજે આવેશમાં આવી જઈ રવિને બે-ત્રણ લાફા મારી દીધા હતા. બનાવ બાદ રવિએ ઘરે જઈ પોતાની માતાને ઘટનાની જાણ કરી હતી.
જેથી ગીતાદેવી પોતાના દીકરા સાથે વાતચીત કરી મામલો થાળે પાડવા માટે રિક્ષામાં બેસી ભાર્ગવ રોડ પર શિવનારાયણ સોસાયટી આગળ પહોંચ્યા હતા. ત્યાં સુરજ અને નીતિન હાજર હોવાથી ગીતાદેવી તથા તેમનો દીકરો સમજાવટ માટે જતાં જ બંને આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને રવિની ફેટ પકડી તેને રિક્ષામાંથી બહાર ખેંચવા લાગ્યા હતા. દીકરાને બચાવવા ગીતાદેવી વચ્ચે પડતાં સુરજે પોતાની રિક્ષામાંથી લોખંડની પાઇપ કાઢી ગીતાદેવીના ડાબા હાથની કલાઇ પર ફટકારી દીધી હતી અને રવિને પણ નીચે પાડી પાઇપથી માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન નીતિને પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે ગીતાદેવીના હાથ અને ડાબા પગના થાપાના ભાગે ઘસરકા મારી લોહીલુહાણ કરી મુક્યા હતા.
ઝઘડા દરમિયાન આરોપી સુરજે લોખંડની પાઇપથી રવિની રિક્ષાનો આગળનો કાચ તથા હેડલાઇટ તોડી નાખી આશરે રૂ. ૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. આ ધમાચકડીમાં ગીતાદેવીના ગળામાં પહેરેલો સોનાનો ચેઇન પણ તૂટીને ક્યાંક પડી ગયો હતો. આજુબાજુના લોકો ભેગા થઈ જતાં બંને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત માતા-પુત્રએ આઉટડોર સારવાર લીધા બાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરજ ઉર્ફે ભૂરો અને નીતિન સામે તપાસ શરૂ કરી છે.

