વાહન ઊભું રાખવા જેવી નજીવી બાબતમાં પાઇપ અને લાકડી ફટકારતાં પરિવારના 6 સભ્યો લોહીલુહાણ હાલતમાં સિવિલમાં સારવાર હેઠળ
Rajkot,તા.07
શહેરના કોઠારીયા (આણંદપર) વિસ્તારમાં વાહન રસ્તા વચ્ચે ઊભું રાખવા જેવી સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. સરપંચના દીકરા સહિત બે શખ્સોએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને પરિવાર પર લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં પરિવારના ૬ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે એટ્રોસિટી અને મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોઠારીયા આણંદપર ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઈ લક્ષ્મણભાઈ જાદવ (ઉ.વ. ૩૨) ના કૌટુંબિક ભાઈ પ્રફુલભાઈ રવિવારે સાંજના સમયે પોતાનું બાઈક લઈને જતા હતા. સરપંચ કિશોર વાઢેરનો પુત્ર વિશાલ રસ્તા વચ્ચે પોતાની ફોરવીલ ગાડી ઊભી રાખીને બેઠો હતો. પ્રફુલભાઈએ રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખવાની ના પાડતા વિશાલ તેમજ દિનેશના દીકરાએ ગાળાગાળી કરી હતી. જોકે, ત્યારબાદ વડીલો વચ્ચે આવતા સમાધાન થઈ ગયું હતું.
આ ઝઘડા દરમિયાન પ્રફુલભાઈનું પાકીટ ત્યાં પડી ગયું હોવાથી ફરિયાદી રવિ તેમનો ભાઈ મનીષ અને અશોક પાકીટ શોધવા ગયા હતા. તેઓ પાકીટ શોધીને પરત ફરી રહ્યા હતા ત્યારે વિશાલ અને દિનેશભાઈનો દીકરો બાઈક પર લોખંડનો પાઇપ અને લાકડી લઈને ધસી આવ્યા હતા. હુમલાખોરોએ “જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા તમારી હોશિયારી બહુ વધી ગઈ છે, આજે સરખા કરી નાખવા છે” તેમ કહીને ગાળો આપી પરિવાર પર હુમલો કરી દીધો હતો.આ હુમલામાં વચ્ચે પડનાર વૃધ્ધ અને મહિલા સહિત પરિવારના 6 સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આટલું જ નહી હુમલો કર્યા બાદ આરોપીઓ “માપમાં રહેજો નહિતર જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.આર. મકવાણાએ બંને આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

