કન્ટેનરમા છુપાવેલો ૩૧,૪૫૨ બોટલ અંગ્રેજી દારૂ મળી રૂ. ૧, ૨૫ કરોડનો મુદ્દામાલ કબજે, રાજસ્થાની ચાલક ઝડપાયો નાસિકના બુટલેગરની શોધખોળ
Rajkot તા.૧૦ઃ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના કાગળ પરના દાવાઓ વચ્ચે વિદેશી દારૂની ઘૂસણખોરી દિવસેને દિવસે વધી રહી છે. પડોશી રાજ્યોમાંથી રોજેરોજ લાખો-કરોડોનો દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે, અને સરહદો સીલ હોવાના પોલીસના દાવાઓ વચ્ચે આ જથ્થો સીધો સૌરાષ્ટ્ર સુધી પહોંચી રહ્યો છે. આવા જ એક મોટા કિસ્સામાં સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન ઝાલાવાડ પંથકમાં સુરેન્દ્રનગર LCBએ મોટો દરોડો પાડી કાઠિયાવાડમાં કટિંગ થાય તે પહેલા જ લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પરથી રૂ. ૧ કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને કઈઇ ઙઈં ની સૂચનાથી કઈઇની ટીમ લીંબડી-ચોટીલા નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી આવતું એક કન્ટેનર ટ્રક વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે હાઈવે પર આવેલા રાસકા-બોડીયા ગામના પુલ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કન્ટેનર ટ્રક આવતા તેને અટકાવી તલાશી લેતા અંદર પ્લાસ્ટિકના કોથળા અને ખોખામાં ખૂબ જ ચાલાકીપૂર્વક સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે સ્થળ પર જ ગણતરી કરતા અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ ૩૧,૪૫૨ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. ૧,૦૦,૯૩,૯૮૦ થાય છે. આ સાથે ગુનામાં વપરાયેલ ટ્રક કન્ટેનર કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦ અને બે મોબાઈલ ફોન કિંમત રૂ. ૨૦,૦૦૦ મળી કુલ રૂ. ૧,૨૬,૧૩,૯૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટ્રક ચાલક જુજારામ રીડમલરામ ગોદારા, રહે. રાજસ્થાનની અટકાયત કરી છે.પ્રાથમિક પૂછપરછમાં ચાલકે કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નાસિકથી રમેશકુમાર નામના મોટા બુટલેગરે મોકલ્યો હતો અને સૌરાષ્ટ્રના કોઈ મોટા કટિંગ પોઈન્ટ પર પહોંચાડવાનો હતો.
ટ્રકનો માલિક અને દારૂ મંગાવનાર મુખ્ય સૂત્રધાર હજુ ફરાર છે. પોલીસે તેની પાસેથી મળેલા મોબાઈલના કોલ ડિટેઈલ અને લોકેશનના આધારે તપાસ લંબાવી છે.આ બનાવે ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે જો સરહદો સીલ છે, ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત છે તો આટલો મોટો જથ્થો, તે પણ કન્ટેનર ટ્રકમાં ભરીને, રાજસ્થાન-મહારાષ્ટ્રથી સીધો ઝાલાવાડ સુધી કેવી રીતે પહોંચી ગયો? હાઈવે, ચેકપોસ્ટ અને કાયદાને પડકારતું આ સિન્ડિકેટ કેટલું મજબૂત છે તેનો આ પુરાવો છે. દારૂની ઘૂસણખોરીથી લઈને પરિવહન, સંગ્રહ અને છૂટક વેચાણ સુધીનું આખું સુવ્યવસ્થિત નેટવર્ક કામ કરી રહ્યું છે.
સુરેન્દ્રનગર LCB એ આ મામલે લીંબડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર ટ્રક માલિક, નાસિકના રમેશકુમાર અને સૌરાષ્ટ્રના મંગાવનાર બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કઈઇના જણાવ્યા મુજબ આ વર્ષમાં ઝડપાયેલો આ સૌથી મોટો જથ્થો છે અને આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં રાખીને આ નેટવર્ક વધુ સક્રિય થયું હોવાની શક્યતા છે. પોલીસ હવે આ જથ્થો કયા કટિંગ પોઈન્ટ પર જવાનો હતો અને તેની પાછળ કોણ મોટું માથું છે તે દિશામાં તપાસ કરી રહી છે.

